તાલિબાનમાં સ્ત્રી હોવું એ પાપ બની ગયું છે. જ્યારથી અફઘાનિસ્તાન પર તાલિબાને ફરીથી કબજો કર્યો છે ત્યારથી અહીંની મહિલાઓ પર પ્રતિબંધો જ લગાવવામાં આવે છે. અહીં દરરોજ મહિલાઓને લઈને નવા ફરમાન બહાર પાડવામાં આવી રહ્યા છે
નવા આદેશ અનુસાર તાલિબાનમાં મહિલાઓ પુરૂષ ડોક્ટરો પાસેથી તેમની સારવાર કરાવી શકશે નહીં. અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન સત્તામાં આવ્યાને એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે. પરંતુ અહીં સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. સપ્ટેમ્બર 2021 માં ફક્ત છોકરાઓને જ શાળામાં જવાની મંજૂરી આપવામાં આવી, મોટાભાગની કિશોરવયની છોકરીઓને માધ્યમિક શાળામાંથી બહાર કરી દેવામાં આવી અને અફઘાન મહિલાઓને આરોગ્ય અને શિક્ષણ સિવાયના મોટાભાગના ક્ષેત્રોમાં કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
ગયા વર્ષે શિક્ષણ પર પ્રતિબંધ
જણાવી દઈએ કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં તાલિબાન સરકારે તમામ યુનિવર્સિટીઓમાં મહિલાઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનો આદેશ જાહેર કર્યો હતો. આ આદેશ સાંભળીને અફઘાનિસ્તાનમાં રહેતી સેંકડો વિદ્યાર્થીનીઓને મોટો આંચકો લાગ્યો, જેના વિરોધમાં મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી. ઉગ્ર વિરોધ થયો હતો. આ આદેશને લઈને કેટલાક પુરુષોએ મહિલાઓના સમર્થનમાં પ્રદર્શન પણ કર્યું, પરંતુ કોઈ ફાયદો થયો નહીં.
કેટલાક વિદ્યાર્થીઓ પણ સરકારના આ આદેશનો વિરોધ કરતા જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓએ પરીક્ષણો બહિષ્કાર પણ કર્યો હતો. ઘણા પુરુષ વિદ્યાર્થીઓ મહિલાઓના સમર્થનમાં સામે આવ્યા હતા. મહિલાઓના શિક્ષણ પર તાલિબાનના પ્રતિબંધના વિરોધમાં મહિલા વિદ્યાર્થીઓની સાથે એકતા બતાવવા માટે નાંગરહાર યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ પરીક્ષા છોડીને જતા રહ્યા હતા. અમેરિકાએ પણ તાલિબાનના આ પગલાની સખત શબ્દોમાં નિંદા કરી હતી.