ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં માત્ર 15 દિવસમાં ત્રીજા હિંદુ મંદિર પર હુમલો થયો છે. આ હુમલામાં મંદિરની દિવાલો પર ભારત વિરોધી નારા લખવામાં આવ્યા છે. અગાઉ પણ 12 અને 17 જાન્યુઆરીએ ઓસ્ટ્રેલિયામાં હિંદુ મંદિરો પર થયેલા હુમલામાં પણ દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. આ વખતે અહીંના ઇસ્કોન મંદિરની દિવાલો પર ખાલિસ્તાન તરફી અને ભારત વિરોધી નારા લખવામાં આવ્યા છે.
ભારતે સખત નિંદા કરી
ગયા અઠવાડિયે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ મંદિર પર હુમલાની આ ઘટનાઓની સખત નિંદા કરી હતી અને ઓસ્ટ્રેલિયન સરકાર પાસે માંગ કરી હતી કે આ અંગે તાત્કાલિક પગલાં લે. ભારતે હિંદુ મંદિરો વિરુદ્ધ થયેલી આ ઘટનાઓ પર કેનબેરા અને નવી દિલ્હીમાં પોતાનો વાંધો પણ નોંધાવ્યો હતો. અગાઉ કેટલાક દિવસો પહેલા જ મેલબોર્નમાં શ્રી શિવ વિષ્ણુ મંદિર અને સ્વામિનારાયણ મંદિર પર હુમલાની ઘટનાઓ બની ચૂકી છે, જેમાં પણ મંદિરની દિવાલો પર ભારત વિરોધી નારાઓ લખવામાં આવ્યા હતા.
મેલબોર્નના સ્વામિનારાયણ મંદિર પર કર્યો હતો હુમલો
અગાઉ 12 જાન્યુઆરીએ ખાલિસ્તાન સમર્થકોએ સ્વામિનારાયણ મંદિર પર હુમલો કર્યો હતો અને મંદિરની દિવાલો પર ખાલિસ્તાન સમર્થકોએ ભારત વિરોધી ચિતરામણ કર્યું હતું. સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર “હિન્દુસ્તાન મુર્દાબાદ” ના નારા લખવામાં આવ્યા હતા, જે મેલબોર્નના મિલ પાર્કના મુખ્ય હિંદુ મંદિરોમાંનું એક છે.