છેલ્લા 15 દિવસમાં 3 મંદિરોમાં તોડફોડ કરવામાં આવી. ઈસ્કોન કોલકાતાના ઉપપ્રમુખ રાધારમણ દાસે ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર થયેલા હુમલા પર કહ્યું કે જો પોલીસે તાત્કાલિક પગલાં લીધા હોત તો આ ઘટના ન બની હોત. પોલીસે આરોપીઓને પકડવા જોઈએ
ખાલિસ્તાની સમર્થકોએ 22 જાન્યુઆરીની રાત્રે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નના આલ્બર્ટ પાર્કમાં આવેલા ઈસ્કોન મંદિરમાં તોડફોડ કરી એટલું જ નહીં, મંદિરની દિવાલો પર ખાલિસ્તાન ઝિંદાબાદ અને હિન્દુસ્તાન મુર્દાબાદ લખ્યું હતું. આ જ દિવાલ પર ભિંડરાવાલેને શહીદ તરીકે પણ લખવામાં આવ્યું હતું.
ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર બેરી ઓ’ફેરેલે મંદિરોની તોડફોડ પર કહ્યું કે તેઓ આ મામલે ચિંતિત છે. તેમણે વધુમાં કહ્યું કે ઓસ્ટ્રેલિયા કોઈપણ પ્રકારની હેટસ્પીચ કે હિંસા સહન કરતું નથી. ઓસ્ટ્રેલિયાની સરકાર આ મામલે તપાસ કરી રહી છે.
મેલબોર્ન મંદિરના પૂજારી અર્જુન સખા દાસે કહ્યું કે 22 જાન્યુઆરીએ સાંજે લગભગ 4.15 વાગ્યે, અન્ય પૂજારીએ તેમને જાણ કરી કે કેટલાક લોકોએ મંદિરમાં તોડફોડ કરી છે અને દિવાલો પર ભારત વિરુદ્ધ સૂત્રો લખી દીધા છે.
પૂજારી અર્જુન દાસે કહ્યું કે, બીજા પૂજારી માટે તે ખૂબ જ ડરામણું હતું, કારણ કે હુમલા પછી તેઓ જ સૌથી પહેલા હતા કે જેમણે આ દ્રશ્ય જોયું હતું. અર્જુન દાસે વધુમાં કહ્યું કે પૂજારી મંદિરની બહાર રહે છે, તેથી તેમણે બહારથી આવતા સમયે જ બધું જોઈ લીધું.
પૂજારી અર્જુન દાસે વધુમાં જણાવ્યું કે ખાલિસ્તાની સમર્થકોએ મંદિરના માત્ર બહારના ભાગને જ નુકસાન પહોંચાડ્યું છે. મંદિરની અંદરનો ભાગ સંપૂર્ણપણે સુરક્ષિત છે.