દિલ્હીનું પ્રખ્યાત દારૂ કૌભાંડ હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આસપાસ પહોંચી ગયું છે. EDએ કેજરીવાલના PAને દારૂ કૌભાંડમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. જો કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ અંગે ઘણી વખત સ્પષ્ટતા કરી ચૂક્યા છે
દરમિયાન, સીબીઆઈએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસમાં પૂછપરછ માટે 26 ફેબ્રુઆરીએ હાજર થવા માટે નવી નોટિસ જારી કરી છે. સિસોદિયાની વિનંતી પર આ નોટિસ જારી કરવામાં આવી હતી કારણ કે તેમણે 19 ફેબ્રુઆરીએ તેની અગાઉની સુનિશ્ચિત પૂછપરછ મોકૂફ રાખવાની માંગ કરી હતી. દિલ્હી સરકારમાં ફાઇનાન્સ પોર્ટફોલિયો ધરાવતા સિસોદિયાએ બજેટ તૈયારીની કવાયતને ટાંકીને ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહ દરમિયાન પૂછતાછ અને તારીખ મુલતવી રાખવાની માંગ કરી હતી.
સિસોદિયાએ સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તેમને 26 ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે અને તેઓ તપાસ એજન્સી સમક્ષ હાજર થશે. સીબીઆઈએ ગયા વર્ષે 25 નવેમ્બરે સાત લોકો સામે તેની પ્રથમ ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં સિસોદિયાનું નામ આરોપી તરીકે નહોતું. અધિકારીઓએ કહ્યું કે પૈસાની લેવડ-દેવડ અને દારૂના વેપારીઓ, AAP નેતાઓ અને વચેટિયાઓ વચ્ચેના સંબંધોની વધુ તપાસમાં CBIએ વિગતવાર સામગ્રી એકઠી કરી છે જેના પર તેને સિસોદિયા પાસેથી સ્પષ્ટતાની જરૂર છે.