મંત્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગી રહ્યો છે. ભારત દિન પ્રતિદિન વિકાસના નવા સોપાનો સર કરી રહ્યો છે. મોદી સાહેબે કંડારેલી વિકાસ યાત્રાને આપણા ગુજરાતના મૃદુ, મક્કમ અને ઉર્જાવાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગળ વધારી રહ્યા છે. તેમના સબળ નેતૃત્વમાં ગુજરાત દેશ અને સમગ્ર વિશ્વમાં ઝળકી રહ્યું છે. સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસના મંત્રથી ગામે ગામ વિકાસના કાર્યો ચાલી રહ્યા છે. ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈએ દેશની શાસન ધૂરા સાંભળ્યા બાદ ભારતને સૌ પ્રથમવાર G 20ની અધ્યક્ષતા મળી છે. વાઇબ્રન્ટ સહિતના કાર્યક્રમો થકી આજે ગુજરાત રોજગારી માટેનું હબ બન્યું છે. મોદીએ સુભાષચંદ્ર બોઝની 126 જન્મ જ્યંતી દેશભરમાં ઉજવી દેશની આઝાદીમાં તેમના યોગદાનને સન્માન આપ્યું છે. મંત્રીએ ગુજરાતમાં વલસાડ જિલ્લાનું મહત્વ જણાવી કહ્યું કે, વલસાડ જિલ્લો ખેતી, વન્ય અને દરિયાઈ માર્ગ સાથે જોડાયેલો છે. અહીં રોજગારી માટે વાપી GIDC પણ છે સાથે લીલીછમ હરિયાળીથી વલસાડ જિલ્લો સમૃદ્ધ પણ છે. કપરાડા તાલુકામાં વિકાસની ગાથા વર્ણવતા મંત્રીશ્રીએ અસ્ટોલ યોજના આદિવાસી પરિવારો માટે આશીર્વાદરૂપ બની હોવાનું કહી વધુમાં જણાવ્યું કે, આયુષ્યમાન કાર્ડમાં લાભની મર્યાદા રૂ. 5 લાખની હતી જે વધારીને હાલમાં રૂ. 10 લાખ કરવામાં આવી રહી છે. કોરોનાકાળમાં વડાપ્રધાનશ્રીની પ્રેરણા અને પ્રોત્સાહનથી સ્વદેશી વેકસીન બનાવવામાં સફળતા મળતા લોકોનું જીવન બચાવી શક્યા છે. લોકો ભૂખ્યા ન રહે તે માટે છેલ્લા 32 મહિનાથી દેશમાં કરોડો લોકોને નિઃશુલ્ક રાશન અપાઈ રહ્યું છે. કોરોનાકાળમાં લોકોના ધંધા રોજગાર પડી ભાગ્યા હોવાથી તેઓને આર્થિક રીતે પગભર કરવા માટે અનેક યોજનાઓ પણ શરુ કરી છે. આ તમામ પ્રયાસોથી આપણો દેશ આજે તેજ ગતિથી દોડી રહ્યો છે. અંતે મંત્રીએ સૌને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવા હાકલ કરી હતી. મંત્રીએ પરેડનું નિરીક્ષણ કર્યા બાદ તિરંગાના સન્માનમાં પોલીસ દ્વારા વોલી ફાયરિંગ કરાયું હતું. વિવિધ સરકારી ખાતાની જનહિતની યોજનાની માહિતી આપતા ટેબ્લોઝનું નિદર્શન પણ કરાયું હતું. જેમાં પ્રાયોજના વહીવટદાર કચેરીના જિલ્લાની ભાતીગળ આદિજાતિ સંસ્કૃતિની ઝાંખી અને વંચિતોના વિકાસને વરેલી વર્તમાન સરકારની આદિવાસીઓના વિકાસની વિવિધ યોજનાઓની માહિતી આપતા ટેબલો પ્રથમક્રમે આવ્યો હતો. જિલ્લા ખેતીવાડી કચેરીના પ્રાકૃત્તિક ખેતી, કૃષિ અને બાગાયતની વિવિધ યોજનાઓનું નિદર્શન કરતો ટેબ્લોઝ બીજા ક્રમે વિજેતા થયો હતો. પરેડ/માર્ચ પાસ્ટમાં પ્રથમ ક્રમે જિલ્લા પોલીસની પુરૂષ પ્લાટુન પ્રથમ ક્રમે વિજેતા થઈ હતી. સાંસ્કૃત્તિક કૃતિમાં પ્રથમ ક્રમે સુથારપાડાની કન્યા સાક્ષરતા નિવાસી શાળા આદિવાસી નૃત્યની કૃતિ સાથે વિજેતા થઈ હતી. બીજા ક્રમે વારોલી તલાટની એમ.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલની રાસ કૃતિ અને ત્રીજા ક્રમે સિદુંબરની વનવાસી ઉત્તર બુનિયાદી શાળાનો બાંબુ ડાન્સ કૃતિ વિજેતા થઈ હતી. સ્થાનિક ગ્રામજનો દ્વારા આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી કૃતિ પણ સંગીતના તાલે રજૂ થઈ હતી. આ પ્રસંગે વહીવટીક્ષેત્રે પ્રસંશનીય કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ, સેવાભાવી સંસ્થા, રમત ગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓ, ચંદ્રકથી સન્માનિત થનાર હોમગાર્ડઝના સભ્ય/ અધિકારીઓ, પોલીસ અધિકારી/કર્મચારીઓ, પ્રગતિશીલ ખેડૂતો, 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓ, કરૂણા અભિયાન 2023ની ઉજવણીમાં સામેલ એનજીઓ/ વ્યક્તિઓ, શિક્ષકો, માજી સૈનિકો, સરકારી કાર્યક્રમોમાં એનાઉન્સર તરીકેની સેવા આપનાર શિક્ષિકા ઉન્નતિ દેસાઈ અને સ્મૃતિ દેસાઈ તેમજ ખાનગી અને સરકારી હોસ્પિટલનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કપરાડા તાલુકાના વિકાસના કામ માટે રૂ. 25 લાખનો ચેક મંત્રી દ્વારા કલેકટરને અર્પણ કરવામાં આવ્યો હતો. બાદમાં મહાનુભવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ મોહનભાઈ ગરેલ, જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની, જિલ્લા પોલીસ વડા ડો. રાજદિપસિંહ ઝાલા, જિલ્લા નિવાસી અધિક કલેકટર અનસૂયા ઝા અને સંગઠનના પ્રમુખ હેમંતભાઈ કંસારા સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.