ગણતંત્ર દિવસના અવસર પર પણ પાકિસ્તાને પોતાની નાપાક હરકતો બંધ ન કરી. જોકે, સુરક્ષાકર્મીઓએ પાકિસ્તાનના દાણચોરોની ડ્રગ્સ મોકલવાની નાપાક યોજનાને નિષ્ફળ બનાવી દીધી
BSFએ કહ્યું કે 26 જાન્યુઆરીની વહેલી સવારે, પંજાબના ફિરોઝપુર જિલ્લામાં ગાઢ ધુમ્મસ વચ્ચે, સરહદ પર તૈનાત સતર્ક સીમા સુરક્ષા દળના જવાનોએ ટિંડીવાલા ગામ નજીક આવતા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ ટ્રેક પર માનવ પગના નિશાન જોયા. ત્યારપછી આ વિસ્તારમાં સર્ચ દરમિયાન જવાનોને પીળી એડહેસિવ ટેપથી લપેટેલા 3 પેકેટ મળી આવ્યા હતા.
એક અધિકારીએ જણાવ્યું કે પેકેટ ખોલતા તેમાંથી લગભગ 3 કિલો હેરોઈન મળી આવ્યું હતું. હેરોઈનની કિંમત કરોડોમાં આંકવામાં આવી રહી છે. હાલ બીએસએફ દ્વારા આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, જેથી આવા કોઈપણ નાપાક ષડયંત્રને નિષ્ફળ બનાવી શકાય. આ હેરોઈન ડ્રોન દ્વારા મોકલવામાં આવી છે કે કેમ તે જાણવાના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
નોંધનીય છે કે આ દિવસોમાં ગાઢ ધુમ્મસને કારણે સરહદ પર પાકિસ્તાની દાણચોરોની ગતિવિધિઓ વધી ગઈ છે. ઘણીવાર આ સમય દરમિયાન ડ્રોન દ્વારા હથિયારો અને ડ્રગ્સ મોકલવાના કિસ્સાઓ સામે આવે છે. આ જ કારણ છે કે આ દિવસોમાં BSF બોર્ડર પર ઓપરેશન એલર્ટ ચલાવી રહ્યું છે.