અમદાવાદના વસ્ત્રાપુર તળાવ પાસે, અમદાવાદ હાટ ખાતે ઉધોગ, લધુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉધોગ, કુટિર, ખાદી અને ગ્રામોધોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગારમંત્રી બલવંતસિંહ રાજપુતના હસ્તે ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા આયોજિત ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
મંત્રી બલવંતસિંહ રાજપુતે અમદાવાદ હાટમાં રાજયના વિવિધ 13 જિલ્લાના અંતરિયાળ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોધોગ અને કુટિર ઉધોગના 130થી વધારે જેટલા વ્યકિ્તગત કારીગરો, હસ્તકલા-હાથશાળ મંડળીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, એનજીઓ, સખી મંડળો અને કારીગરોના સ્ટોલની મુલાકાત લઈને સ્થાનિક કારીગરો અને ઉત્પાદકોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી એ જણાવ્યું કે, આ ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’નો હેતુ ગુજરાત રાજયના જિલ્લાના અંતરિયાળ ગામોમાં હસ્તકલા-હાથશાળ, કુટિર અને ગ્રામોધોગની વંશપરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતાં કારીગરોને સીધુ જ માર્કેટિંગ પ્લેટફોર્મ પૂરું પાડી તેમની આજીવિકામાં વધારો કરવાનો તથા રાજયના ભવ્ય, ભાતીગળ અને વૈવિધ્યપૂર્ણ કલા વારસાને પ્રદર્શન અને નિર્દશન કરવાનો છે. લોકલ કારીગરોને વધારે ગ્રાહકો મળી રહે અને તેમની વસ્તુઓ લોકો સુધી પહોંચે તે હેતુસર આ ઉત્પાદકો અને કારીગરોને હસ્તકલા ઉત્સવ દ્વારા એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલના મંત્રને અનુસરી સ્થાનિક ચીજવસ્તુઓને વધારે મહત્ત્વ મળે તેવો ઉદ્દેશ આવા આયોજન પાછળ છે. આ બધી લોકલ વસ્તુઓ ઓનલાઇન માધ્યમથી મળતી થાય તે માટે હાલ સરકાર પ્રયત્નશીલ છે, એવું તેમણે ઉમેર્યું હતું.
મંત્રી બળવંતસિંહ રાજપૂતે અમદાવાદ હાટમાં ઓનલાઇન માધ્યમથી રૂ. 250માં ધૂપ-અગરબત્તીની ખરીદી કરી ડિજિટલ માર્કેટિંગને પ્રોત્સાહન આપ્યું હતું. સુરતમાં 350 કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલાં એકતા મોલની વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ એકતા મોલમાં કારીગરોને રહેવા, જમવા અને રોકાવાની વ્યવસ્થા એક જ સ્થળે મળી રહેશે તેના દ્વારા કારીગરોની કાર્યક્ષમતા અને ઉત્સાહમાં પણ વધારો થશે. અમદાવાદ હાટમાં પણ હાલમાં તે જ પ્રકારની વ્યવસ્થા કારીગરો માટે ઊભી કરવામાં આવી એમ તેમણે ઉમેર્યું.