ભાજપ સરકાર સામે ભારે રોષ વિદ્યાર્થી પૂછે અમારો શું દોષ આ પ્રકારના સૂત્રો આજે હાથ સે હાથ જોડો યાત્રામાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા. યુવાનોના ભવિષ્ય સાથે રમવાનું બંધ કરો તેમ કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ કરાયો હતો.
પેપરલીક કાંડ મામલે વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસે સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે ત્યારે આજે ગાંધીઆશ્રમથી કોચરબ આશ્રમ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદિશ ઠાકોરની અધ્યક્ષતામાં રેલી યોજવામાં આવી છે.
કોંગ્રેસ પાર્ટીએ તાજેતરમાં જ અરવલ્લીથી આ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે ત્યારે આજે આ યાત્રા અમદાવાદ આવી પહોંચી હતી. અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા પેપર લીકનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની ઉપસ્થિતિમાં યાત્રાનો પ્રારંભ કરાયો હતો. આશ્રમ રોડ પર સૂત્રોચ્ચાર સાથે આ યાત્રા નિકળી હતી. કોંગ્રેસ પાર્ટી દ્વારા પેપર લીકની સાથે સાથે મોંઘવારી સહીતના અન્ય મુદ્દા પણ ઉઠાવવામાં આવ્યા હતા.
પેપર લીકની ઘટનાઓ વારંવાર ગુજરાતમાં બની રહી છે ત્યારે કોંગ્રેસે પણ સરકાર સામે આકરા પ્રહારો પેપર લીક મામલે કર્યા છે. કેમ કે, પરીક્ષા પદ્ધતિમાં સરકાર દ્વારા કોઈ બદલાવ ના કરાતા આ સ્થિતિ નિર્માણ પામતા યુવાનો માટે પારદર્શિક પરીક્ષા લેવામાં આવે અને દોષિઓ સામે તપાસ થાય, જે માટે નિવૃત જજની અધ્યક્ષતામાં કમિટી બનાવવાની માંગ પણ અગાઉ કોંગ્રેસ દ્વારા પેપરલીક કાંડમાં કરવામાં આવી હતી.
71 નગરપાલિકા અને બે જિલ્લા પંચાયતોમાં યાત્રા ફરશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શરમજનક હાર બાદ કોંગ્રેસને આ યાત્રા થકી ઘણી આશાઓ છે. આથી કોંગ્રેસે પ્રથમ તબક્કામાં રાજ્યની 71 નગરપાલિકા અને બે જિલ્લા પંચાયતોમાં યાત્રા કાઢવાનું નક્કી કર્યુંછે. જ્યાં આગામી મહિનાઓમાં સ્થાનિક ચૂંટણી યોજાવાની છે. જેને જોતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જદીશ ઠાકોરે કોંગ્રેસનો ગઢ ગણાતા અરવલ્લી જિલ્લામાંથી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં સરકાર સામે વિવિધ મુદ્દાઓ ઉઠાવવામાં આવશે.