પી.એમ. કિસાન યોજના અંતર્ગત તમામ લાભાર્થીઓ એ “e-KYC” કરવું અનિર્વાય
જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ – પી.એમ કિસાન યોજના હેઠળ લાભ મેળવતા અમદાવાદ જિલ્લાના તમામ લાભાર્થી ખેડૂતોને જણાવવાનું કે, પી. એમ કિસાન યોજના હેઠળ વાર્ષિક રૂ ૬૦૦૦ લેખે સહાયની રકમ સીધી લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે. અમુક લાભાર્થીઓના બેંક ખાતાની વિગતો અધૂરી અથવા ક્ષતિવાળી હોવાથી, આઇ.એફ.ઇ.સી કોડ નંબર બદલવાના કારણસર અથવા બેંક મર્જ થવાના કારણસર ઘણા લાભાર્થીઓની સહાય બેંક ખાતામાં સમયસર જમા થતી નથી, જેના નિવારણ સારુ તથા સમયસર તમામ લાભાર્થી ખેડૂતોના ખાતામાં સહાય જમા થાય તેવા શુભ ઉદ્દેશથી ભારત સરકારશ્રી દ્વારા પી.એમ કિસાન યોજના અંતર્ગત તમામ લાભાર્થીઓ માટે ‘’e-KYC’’ કરાવવું અનિર્વાય કરવામાં આવેલ છે.
જેને ધ્યાને લઇ, આગામી ડિસેમ્બર – ૨૦૨૨ માસ માટે રીલીઝ થનાર ૧૩મા હપ્તાના સહાયની રકમ તમામ લાભાર્થીઓના બેંક ખાતામાં જમા થાય તે હેતુસર અમદાવાદ જિલ્લામાં તારીખ ૦૭/૧૨/૨૦૨૨થી તારીખ ૨૭/૧૨/૨૦૨૨ સુધી ગ્રામ્ય કક્ષાએ ‘’e-KYC’’ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં, જે તે ગામના ગ્રામસેવકશ્રી, કોમન સર્વિસ સેન્ટર (સી.એસ.સી) ના પ્રતિનિધિ, ઇન્ડીયન પોસ્ટ પેમેન્ટ બેંકના પ્રતિનિધિ, તલાટી, સરપંચ હાજરીમાં ગ્રામપંચાયત ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ‘’e-KYC’’ પેન્ડીંગ હોય તેવા લાભાર્થી ખેડૂતોએ જાતે પોતાનું આધાર કાર્ડ, મોબાઇલ, બેંકની વિગતો સહ કેમ્પમાં ઉપસ્થિત રહેવાનું રહેશે. જેમાં, નિયત ફી લઇ કોમન સર્વિસ સેન્ટર (સી.એસ.સી) ના પ્રતિનિધિ/ ઇન્ડીયન પોસ્ટ પેમેન્ટ બેંક ના પ્રતિનિધિ દ્વારા પી.એમ કિસાન યોજના અંતર્ગત “e-KYC”ની કામગીરી કરવામાં આવશે‘’e-KYC’’ પેન્ડીંગ હોય તેવા લાભાર્થી ખેડૂતોની યાદી કેમ્પના અગાઉના દિવસે ગ્રામપંચાયત ખાતે પ્રસિદ્ધ કરવામાં આવશે. તથા કેમ્પની તારીખોની જાણકારી જે તે ગામના ગ્રામસેવક / તલાટી દ્વારા આપવામાં આવશે.
આમ ઇકેવાયસી કરાવવા માટે તમામ ખેડૂતોએ નિયત તારીખે કેમ્પનો લાભ લેવા માટે જિલ્લા તંત્ર દ્વારા વિનંતી સહ અનુરોધ કરવામાં આવે છે.
વધુમાં જણાવવાનું કે, જે લાભાર્થી ખેડૂતોના આધાર કાર્ડ, પોતાના મોબાઇલ નંબર સાથે લીંક થઇ ગયેલ હોય તો, તેવા ખેડુતો પોતાના જાતે ઘર બેઠે અથવા ઇન્ટરનેટ જાણકાર વ્યકિત દ્વારા https://pmkisan.gov.in/ વેબસાઇટ પર જઇ “e-KYC” ઓપ્શન પર જઇ અપડેટ કરી શકે છે. ‘’e-KYC’’ ઓપ્શન પર કલીક કરવાથી આધાર નંબર માગશે જેમાં તમારો આધારકાર્ડ નંબર નાખવાથી, લીંક કરેલ મોબાઇલ નંબર માગશે અને જે નાખવાથી લીંક કરેલ મોબાઇલ પર OTP આવશે તે નાખ્યા બાદ ફરીથી આધાર OTP આવશે તે નાખ્યા બાદ E-KYC SUCCESSFULLY UPDATED એવુ લખેલુ આવે, એટલે E-KYC અપડેટ થઇ જશે, અને તે pmkisan.gov.in/BeneficiaryStatus.aspx જોઇ શકાય છે. આ સિવાય “e-KYC” માટે નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC), મામલતદાર કચેરી, પોસ્ટ ઓફિસની મુલાકાત લઇ ઇકેવાયસી કરી શકાય છે.