આજે પણ અદાણી કેસને લઈને સંસદમાં ભારે હોબાળો થયો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લઈને મોટો પ્રહાર કર્યો છે. તેમણે સદનમાં કહ્યું કે 2014થી અદાણીની સંપત્તિમાં મોટો વધારો થયો છે
કાયદા મંત્રીએ વિપક્ષો પાસેથી આરોપોના પુરાવા માંગ્યા
કાયદા મંત્રીએ કહ્યું, ‘અહીં રાષ્ટ્રપતિના સંબોધનને લઈને ગંભીર ચર્ચા ચાલી રહી છે, અહીં કોઈ તર્ક વિના આવા મોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે, જેનો કોઈ અર્થ નથી. જો તમે કોઈ આરોપ લગાવતા હોવ તો તમારે તેને સંપૂર્ણ દસ્તાવેજ પુરાવા સાથે રાખવા પડશે. આ બાબતની ગંભીરતા સમજો.’ જ્યારે કાયદા મંત્રીએ દસ્તાવેજના પુરાવા વિશે કહ્યું તો રાહુલ ગાંધીએ પણ કહ્યું કે તેઓ પુરાવાના દસ્તાવેજ આપશે.
‘સરકારે દેશના 6 એરપોર્ટ અદાણીને સોંપ્યા’
મોદી સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘સરકારે નિયમોમાં ફેરફાર કરીને અદાણીજીને 6 એરપોર્ટ આપ્યા. ભારત સરકારે દેશનું સૌથી નફાકારક મુંબઈ એરપોર્ટ અદાણીના હાથમાં આપી દીધું. આ માટે તેમણે CBI અને ED જેવી તપાસ એજન્સીઓનો પણ ઉપયોગ કર્યો. આજે, અદાણીજી દેશના 24 ટકા એર ટ્રાફિકને તેમના એરપોર્ટથી કાઢે છે અને 31 ટકા એરફ્રેઇટ તેમના એરપોર્ટ પરથી નીકળે છે. આ કામ ભારત સરકાર અને વડાપ્રધાને સરળ બનાવ્યું છે.’