મોદી સરનેમ બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીને થયેલી સજા અંગે કોંગ્રેસ દ્વારા ગઈકાલે વિરોધ પ્રદર્શન થયું હતું. કોંગ્રેસ નેતાઓએ આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર વિપક્ષનો અવાજ દબાવી રહી છે.
માનહાનિ કેસમાં સુરત કોર્ટના ચુકાદા બાદ 24 માર્ચે કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતના તમામ જિલ્લા મથકોએ ધરણાં કર્યા હતા અને લોકશાહી બચાવવાની માંગણી કરી હતી. મોદી સરનેમ કેસમાં દોષિત જાહેર થયા બાદ રાહુલ ગાંધીએ સંસદનું સભ્યપદ ગુમાવ્યું હતું. ત્યારે આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
સુરતની કોર્ટે મોદી અટક કેસમાં સજા જાહેર કર્યા બાદ રાજ્યના જિલ્લા મથકે ગઈકાલથી કાર્યકરો દેખાવો કરી રહ્યા છે ત્યારે આ વિરોધ પ્રદર્શન સોમવારે પણ જારી રહેશે. રાજ્યના લગભગ 20 જિલ્લાઓમાં કોંગ્રેસે લોકશાહી બચાવોના નારા સાથે પ્રદર્શન કર્યું હતું ત્યારે સોમવારે પણ રાજ્યવ્યાપી વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે. 23 માર્ચે સુરત કોર્ટે રાહુલ ગાંધીને મોદી અટક સંબંધિત માનહાનિના કેસમાં બે વર્ષની સજા ફટકારી હતી ત્યાર બાદ આ કેસમાં 24 કલાકમાં સંસદ સભ્ય પદ ગુમાવવું પડ્યું હતું.
ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાહુલ ગાંધીની સદસ્યતા સમાપ્ત કરવા પર આકરા પ્રહારો કર્યા હતા. મોઢવાડિયાએ કહ્યું કે રાહુલ ગાંધીને સાચું બોલવાની સજા મળી છે. ભાજપની દયા પર રાહુલ ગાંધીને સંસદનું સભ્યપદ મળ્યું નથી. તેઓ જનતા દ્વારા ચૂંટાયા હતા. આમ કોંગ્રેસ નેતાઓએ આકરા પ્રહારો કર્યા હતા.