શહેર-જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા હોવાથી શહેર આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. રવિવારે વડોદરામાં 14 કોરોના પોઝિટિવ કેસ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.
સોમવારેમાં કોરોના મહામારીના કેસ વધતા શહેરની સયાજી હોસ્પિટલ અને ગોત્રી સરકારી હોસ્પિટલની મેયરે મુલાકાત લીધી હતી અને હોસ્પિટલોમાં કોરોના મહામારી સામે તંત્રની તૈયારીઓ અંગે સમીક્ષા કરી હતી. માહિતી મુજબ, સોમવારે ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલમાં વડોદરા મહાનગર સેવા સદનના મેયર નિલેશ રાઠોડ અને આરોગ્ય સમિતિના ચેરમેન ડો. રાજેશ શાહ પહોંચ્યા હતા અને તૈયારીઓ અંગે માહિતી મેળવી હતી. જણાવી દઈએ કે, હાલ ગોત્રી હોસ્પિટલમાં કોરોનાનો એક પણ કેસ નથી. પરંતુ, પૂર્વ તૈયારીના ભાગરૂપે કોરોના પોઝિટિવ દર્દીઓ માટે 25 જેટલા બેડ, વેન્ટિલેટર, દવાઓનો સ્ટોક સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.
મેયરે લોકોને સાવચેત રહેવા કરી અપીલ
ગોત્રી હોસ્પિટલની મુલાકાત લીધા પછી મેયરનો કાફલો સયાજી હોસ્પિટલ પહોંચ્યો હતો. જણાવી દઈએ કે, સયાજી હોસ્પિટલમાં રવિવારે કોરોનાના 14 જેટલા પોઝિટિવ દર્દી દાખલ હતા. આ દર્દીઓ માટે સયાજી હોસ્પિટલમાં તમામ વ્યવસ્થા કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. હાલ તબીબો દ્વારા જૂની ગાઇડલાઇન મુજબ જ સારવાર કરાઈ રહી છે. મેયર નિલેશ રાઠોડે જણાવ્યું હતું કે, કોરોના મહામારીને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં કોઈ પણ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. આ સાથે તેમણે લોકોને પણ સાવચેત રહેવા અને કોરોનાની સરકારી ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ કરી છે.