ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારને 100 દિવસ પૂર્ણ થયા છે. આ નિમિત્તે ઉજવણીના ભાગરૂપે ગાંધીનગરમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, કેબિનેટ મંત્રી સહિત ધારાસભ્યો હાજર રહ્યા હતા.
સીએમએ સૌને નવરાત્રિની શુભેચ્છા પાઠવી
કાર્યક્રમ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરી સૌને નવરાત્રિની શુભેચ્છા પાઠવી હતી. સાથે જ પીએમ મોદીએ ગુજરાતની વિકાસ યાત્રાને આગળ વધારી છે તેમ કહી આભાર વ્યક્ત કર્યો હતો. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે ઘણો વિકાસ કર્યો છે. ગુજરાત હવે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. યુવાનોને ‘આ ગુજરાત મે બનાવ્યું’ એવી અનુભૂતિ થાય છે. ભાજપ સરકારની પ્રાથમિક એ જ છે કે રાજ્યના દરેક વ્યક્તિ સુધી વિકાસ પહોંચે.
90 હજાર કરોડના રોકાણના MoU થયા: સીએમ
સીએમ ભૂપેન્દ્ર પટેલે આગળ કહ્યું કે, અમારી સરકાર અને અમારા વિકાસ કામો પર નાગરિકોને વિશ્વાસ છે. વિધાનસભાની ચૂંટણીમાં પણ વિકાસના મુદ્દાને જ જનસમર્થન મળ્યું છે. રાજ્યની ભાજપ સરકાર દ્વારા ડ્રગ્સના દૂષણ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, વ્યાજખોરોના ત્રાસને ડામવા માટે રાજ્ય સરકાર કાયદો લાવી છે. લોકોને 250 કરોડ સુધીની લોન મળી રહી છે અને 30 હજાર સરકારી આવાસો બનાવાયા છે. સીએમ પટેલે કહ્યું કે, રાજ્યની ભાજપ સરકારે શ્રમિકોના વેતનમાં પણ વધારો કર્યો છે. જી-20ની 15 બેઠકો ગુજરાતમાં યોજાશે. તેમ જ 90 હજાર કરોડના રોકાણના MoU થયા છે. રાજ્ય સરકાર દ્વારા 3 લાખ કરોડ કરતા વધુનું બજેટ રજૂ કરાયું છે. તેમણે કહ્યું કે, ગુજરાતે વિકાસના પાંચ સ્તંભ નક્કી કર્યા છે. રાજ્ય સરકારે ગ્રીન ગ્રોથ માટે 2 લાખ કરોડની જોગવાઈ પણ કરી છે. અમારી સરકારનો લક્ષ્ય દરેક નાગરિકને વિકાસની મુખ્ય ધારા સાથે જોડવાનો છે.