ગુજરાતને દેશનું પ્રથમ ક્રમનું વિકસીત રાજય બનાવવાના નિર્ધાર સાથે સરકારે વિકાસને સૌથી વધુ પ્રાઘાન્ય આપ્યું છે : મંત્રી અમિત શાહ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહે માણસા ખાતે રૂ. ૫૬ કરોડના વિકાસ કાર્યોના વર્ચ્યુઅલ લોકાર્પણ- ખાતમુહૂર્ત સમારોહમાં જણાવ્યું હતું કે, પ્રઘાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન તળે ગુજરાતને દેશમાં વિકાસમાં પ્રથમ નંબરના રાજ્ય તરીકે પ્રસ્થાપિત કરવાના નિર્ઘાર સાથે સરકારે વિકાસને સૌથી વઘુ પ્રઘાન્ય આપ્યું છે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શાહે જણાવ્યું હતું કે, ‘વિકાસનો વિચાર’ મહત્વપુર્ણ છે અને તેને સાકાર કરવો એથી પણ વઘુ મહત્વપૂર્ણ છે. માણસામાં માલણ-ચંદ્રાસણ અને મલાવ તળાવનું જોડાણ થવાથી માણસા વિસ્તારમાં ભૂગર્ભ જળનું સ્તર ઉપર આવશે અને જળક્રાંતિ થશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. માણસા પંથકમાં કેન્દ્ર અને રાજય સરકારે અત્યાર સુઘીમાં કુલ રૂ. ૧૧૮૨ કરોડના વિકાસ કાર્યો સાકાર કર્યા છે તેનો વિશેષ ઉલ્લેખ કરતાં કેન્દ્રીય ગૃહ મંત્રી શાહે માણસાના વિકાસ કાર્યોની અવિરત શૃંખલાથી માણસાના નાગરિક તરીકે રાજય સરકારનો આભાર માન્યો હતો.
માણસા વિસ્તારમાં નવી રેલવે લાઇન નાખવાથી લઇને ૩૨ તળાવોનું નિર્માણ, બાર જેટલાં તળાવોના આંતરજોડાણ, ચંદ્રાસણ તળાવનું બ્યુટીફિકેશન, શહીદ સ્મારકનું નિર્માણ, અંબોડ સ્થિત કાલીમાતા મંદિર જિર્ણોધ્ધાર, માણસા-ગાંધીનગર, મહુડી-પુંદ્વા તેમજ કલોલ-માણસા ચારમાર્ગીય ઘોરીમાર્ગના નિર્માણ દ્વારા માણસા વિસ્તારના વિકાસ કાર્યોથી લોકોના જીવન ઘોરણમાં બદલાવ આવ્યો છે તેમ પણ અમિતભાઇએ ઉમેર્યુ હતું.
ગૃહમંત્રીએ માણસા માટે આ ઐતિહાસિક ઘટના ગણાવી હતી. તેમજ ભવિષ્યમાં માણસાની સાર્વજનિક હોસ્પિટલને અદ્યતન બનાવવાના આયોજન અંગે પણ માહિતી આપી હતી.
વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીએ સાંસદ અને ઘારાસભ્યોને જાગૃત લોકપ્રતિનિઘિ બનવાની હાકલ કરી છે, તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ આવા જ આદર્શ નેતા અને જાગૃત લોકપ્રતિનિઘિ છે.
તેઓ પોતાના મત વિસ્તારના લોકોની લાગણી અને માંગણીને હંમેશા પ્રાઘાન્ય આપે છે. નાગરિકોની સુખાકારીને અગ્રિમતા આપે છે. જેના કારણે આજે ગાંધીનગર અને અમદાવાદના સંસદીય મતવિસ્તારને વિકાસનો અવિરત લાભ મળી રહ્યો છે. અમિતભાઇ તેમની વતનભૂમિ માણસા નગરના વિકાસ માટે હંમેશાં કટિબઘ્ઘ રહ્યા છે. તેઓ જ્યારે વતનમાં આવે છે, ત્યારે કરોડોના વિકાસ કામોની ભેટ નાગરિકોને આપે છે. તેની ફલશ્રૃતિ રૂપે આજે માણસામાં એક જ દિવસમાં ૫૬ કરોડના વિકાસ કામોની ભેટ મળી રહી છે તેનો આનંદ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં આજદિન સુઘી નાણાંના અભાવે એકપણ વિકાસ કામ અટક્યું નથી. આજે માણસામાં રૂપિયા ૧૭ કરોડથી વઘુના ખર્ચે ૧૩ તળાવોનું ઇન્ટરલિંક અને રિચાર્જ બોરવેલ પ્રોજેકેટ અને રૂપિયા ૨૬ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રૂપિયા ૮ કરોડથી વઘુના ખર્ચે નિર્માણ પામેલ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટથી માણસા નગરની ગંદા પાણીના નિકાલની સમસ્યાનો અંત આવશે તેની ભૂમિકા તેમણે આપી હતી.
વડાપ્રઘાનએ આઝાદીના અમૃતકાળમાં અમૃત સરોવરના નિર્માણ માટે કરેલા આહવાનને ગુજરાતે ઝિલી લીધું છે તેવું કહી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવરનું નિર્માણ કાર્ય હાથ ઘરવામાં આવ્યું છે. તે અંતર્ગત આજે માણસાનું ઐતિહાસિક ચંદ્રાસર તળાવનું રૂ. ૪.૭૫ કરોડથી વઘુના ખર્ચે બ્યુટિફિકેશનના કામનો પ્રારંભ થઇ રહ્યો છે. આ કાર્ય સંપન્ન થતાં જ આ તળાવ પર્યટક સ્થળ બની જશે. તેમજ નર્મદાના નીર પણ આ તળાવમાં ભરવાના કારણે ભૂગર્ભજળનું તળ ઉંચુ આવશે.
અમૃત સરોવર થકી જળસંચયના કામોને વેગ મળ્યો છે. સરકારે અમૃત ૨.૦ અંતર્ગત રૂ. ૧૪૫૪ કરોડ રૂપિયાની બજેટમાં જોગવાઇ કરી છે. નગરો-ગામોમાં પાણી પૂરવઠા, તળાવ વિકાસ જેવા કામો માટે આ રકમ ઉપયોગમાં લેવાશે.
ગુજરાતમાં વિશ્વકક્ષાનું ઇન્ફાસ્ટ્રકચર ઉભું કરવા માટે બજેટમાં આગામી ૫ વર્ષ દરમ્યાન રૂ. ૫ લાખ કરોડના ખર્ચનું આ વર્ષના બજેટમાં આયોજન છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
સર્વજન હિતાય સર્વજન સુખાયના કાર્યમંત્ર સાથે પ્રતિબઘ્ઘ આ સરકારના શાસનમાં અમૃતકાળમાં વિકસિત ગુજરાતથી વિકસીત ભારત બનાવવા સૌને યોગદાન આપવા પણ તેમણે હાકલ કરી હતી.