પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજ્યસભામાં જશે કે લોકસભાની ચૂંટણી લડશે. આ અંગે સસ્પેન્સ છે પરંતુ ગઈકાલના શક્તિ પ્રદર્શન બાદ તેમને મોટી જવાબદારી પાર્ટી દ્વારા ગુજરાતની બહાર ચોક્કસથી સોંપવામાં આવી શકે છે. તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
નીતિનભાઈ હાલમાં હિન્દી શીખી રહ્યા છે, તેમને મળેલી જવાબદારીના કારણે તેઓ હિન્દી શીખી રહ્યા છે. જો કે, બની શકે છે કે આગામી લોકસભા કે રાજ્યસભામાં જવાબદારી મળવાની શક્યતા હોવાથી પણ આ તૈયારી હોઈ શકે છે.
ગુજરાતના રાજકારણમાં લાંબી ઇનિંગ રમનાર પાટીદાર નેતા નીતિન પટેલ ફરી એકવાર હેડલાઇન્સમાં છે. નીતિન પટેલ હાલમાં કોઈ હોદ્દો સંભાળી રહ્યા નથી. પરંતુ રાજ્યના મોટા નેતાઓમાં નીતિન પટેલનો પણ સમાવેશ થાય છે. વહીવટનો લાંબો અનુભવ છે. તેમને કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી, આનંદીબેન અને પછી વિજય રૂપાણી સાથે કામ કરવાનો અનુભવ છે. સૌથી વધુ સમય સુધી ડેપ્યુટી સીએમ રહેવાનો રેકોર્ડ નીતિન પટેલના નામે છે.
ગઈકાલે સીઆર પાટીલે જન્મદિવસની ઉજવણીમાં નીતિન પટેલના ખૂબ વખાણ કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ નીતિન પટેલના વખાણ કર્યા હતા. આ પછી એવી અટકળો ચાલી રહી છે કે શું નીતિન પટેલને ભાજપમાં કોઈ મોટી જવાબદારી મળશે.
30 જૂન સુધી ચાલનારા જનસંપર્ક અભિયાનમાં પાર્ટીએ તાજેતરમાં નીતિન પટેલને ઉત્તર પ્રદેશમાં બે અને ઉત્તરાખંડમાં ત્રણ બેઠકોની જવાબદારી સોંપી હતી. નીતિન પટેલ ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના પ્રવાસે પણ ગયા હતા. નીતિન પટેલના જન્મદિવસ નિમિત્તે ઉત્તર ગુજરાતના તમામ ભાજપના નેતાઓ એક મંચ પર દેખાયા હતા. નીતિન પટેલ છેલ્લા 40 વર્ષથી રાજકારણમાં સક્રિય છે. કડીથી રાજકીય કારકિર્દી શરૂ કરીને ગાંધીનગર સુધીનો પ્રવાસ કર્યો છે. ત્યારે ફરી એકવાર મોટી જવાબદારી મળી શકે છે. સીઆર પાટીલે એમ પણ કહ્યું હતું કે નીતિન પટેલને માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં લોકો જાણે છે. તે ઉંમરમાં મારાથી એક વર્ષ નાના છે પણ રાજકારણમાં મારાથી ઘણા મોટા છે. સીઆર પાટીલે ગઈકાલે એમ પણ કહ્યું હતું કે, આ ભીડ જોઈને લાગે છે કે, લોકો ઈચ્છે છે કે, તેઓ રાજકારણમાં સક્રીય રહે.