સાબરમતી નદીને પુન:જીવિત કરીને પાણીના સ્તર વધુ ઊંચા લાવવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ધરોઈ ડેમથી અમદાવાદ સુધી નદી પર વિવિધ સ્થળોએ સાત જગ્યાએ સીરીઝ ઓફ બેરેજ બનાવવાની યોજના અમલી બનાવવામાં આવી છે. આ સીરીઝ ઓફ બેરેજના આયોજનના ભાગરૂપે સાબરમતી નદી પર માણસા તાલુકાના અંબોડ ગામે બેરેજ બનાવવા રૂ.૨૨૦.૬૮ કરોડની યોજનાને આજે વહીવટી મંજૂરી આપવામાં આવી છે તેમ, જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું.
મંત્રી કુંવરજીભાઈએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આ અંબોડ ખાતે બેરેજ તૈયાર થવાથી અંદાજે ૨૧૦ મિલિયન ક્યુબિક ફૂટ પાણીનો સંગ્રહ થવાથી ૬ થી ૭ કિલોમીટર લંબાઈમાં સરોવરનું નિર્માણ થશે. જેનાથી ગાંધીનગર જિલ્લાના માણસા, ગાંધીનગર અને પ્રાંતિજ તાલુકાના અંબોડ, ઇન્દ્રાજપુર, પોયડા, વરસોડા સીતવાડા, ગુનમા, ઓરણ અને માધવગઢ એમ આઠ ગામોને લાભ થશે. યોજના તૈયાર થવાથી આ વિસ્તારની અંદાજે ૧,૧૦૦ હેક્ટર જમીનને સિંચાઈનો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લાભ થશે. આ યોજના આગામી દોઢ વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે.
જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા સાબરમતી નદીને પુનઃજીવિત કરવા માટે ધરોઈ બંધથી અમદાવાદના વાસણા બેરેજ સુધી જુદી જુદી જગ્યાએ હયાત લાકરોડા સંત સરોવર અને વાસણા બેરેજ ઉપરાંત વિવિધ સાત જગ્યાએ સીરીઝ ઓફ બેરેજ બનાવવાની યોજનાનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યું છે. આં યોજના અંતર્ગત વલાસણા ખાતે સાબરમતી નદી પર બેરેજનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. જ્યારે હિરપુરા બેરેજનું કામ પ્રગતિમાં છે જે આવતા જૂન સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે જેના પરિણામે આજુબાજુના વિસ્તારમાં પાણીના સ્તર ઊંચા આવવાથી પીવાના પાણી તેમજ સિંચાઈ માટે ખેડૂતોને લાભ થશે તેમ મંત્રી ઉમેર્યું હતું