દરમિયાન સુરતમાં એરપોર્ટથી લઈને સર્કિટ હાઉસ સુધીના માર્ગ પર ઠેર ઠેર રાહુલ ગાંધીના સમર્થનમાં વિવિધ પોસ્ટર લગાડવામાં આવ્યા છે. આથી સુરતમાં જાણે કોઈ ચૂંટણીનો માહોલ સર્જાયો હોય તેમ લાગી રહ્યું છે.
કોંગ્રેસના ધારાસભ્ય, આગેવાનો નજરકેદ કરાયા
માહિતી મુજબ, સોમવારે રાહુલ ગાંધીના સમર્થનમાં સુરત આવેલા જંબુસરના પૂર્વ ધારાસભ્ય સહિત કેટલાક કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે. મીડિયા અહેવાલ મુજબ, જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજય જે સોલંકી, કોંગ્રેસ તાલુકા પ્રમુખ પ્રભુદાસ મકવાણા, જંબુસર નગરપાલિકા વિરોધ પક્ષના નેતા સાકીર મલેક સહિત કેટલાક અન્ય આગેવાનોને પૂર્વ ધારાસભ્યની ઓફિસ ખાતે નજર બંધ કરવામાં આવ્યા છે. ઉપરાંત, સેન્ટા પ્લાઝા પાસે નાકાબંધી કરી કોંગ્રેસના કાર્યકર્તાઓને સુરત તરફ જતા અટકાવવા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોવાની પણ ચર્ચા થઈ છે.
આ વખતે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં!
મોદી સરનેમ વિવાદ હેઠળ બે વર્ષની સજા અને સાંસદ પદ ગુમાવ્યા બાદ રાહુલ ગાંધી 11 દિવસ બાદ ફરી સુરત આવી રહ્યા છે. અહીં સેશન્સ કોર્ટમાં સજા અને માનહાનિના નિર્ણયને પડકારવા નિષ્ણાત વકીલોની ટીમ સામે રાહુલ ગાંધી આવી રહ્યા હોવાની માહિતી છે. ત્યારે તેમના સમર્થનમાં સુરતમાં ઠેર ઠેર પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પોસ્ટરો જોતા લાગે છે કે આ વખતે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં હોય તે પ્રકારનો માહોલ સર્જાયો છે. સુરતમાં ‘રાહુલ ગાંધી જિન્દાબાદ’, તેમણે આપેલા સૂત્ર ‘ડરો મત’, ‘સત્યમેવ જયતે’ જેવા નારા સાથે પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, સુરતના રસ્તાઓ પર રાહુલ ગાંધી સહિત પ્રિયકા ગાંધી અને સોનિયા ગાંધીના કટ આઉટ પોસ્ટર લગાવાયા છે. માહિતી છે કે, રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી ઉપરાંત કોંગ્રેસના ઉચ્ચકોટિના નેતા પણ આજે સુરત આવી શકે છે.