IPL 2023ની વાત કરીએ તો અત્યાર સુધીમાં 14 મેચ રમાઈ ચૂકી છે. T20 લીગની 16મી સીઝનની વાત કરીએ તો, રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદે જીત મેળવી હતી. આ સાથે જ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સને પહેલી હાર મળી હતી. જો પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો સંજુ સેમસનની કેપ્ટનશીપવાળી રાજસ્થાન રોયલ્સ ટીમ 4 પોઈન્ટ સાથે ટોપ પર છે. તેણે અત્યાર સુધી રમાયેલી 3માંથી 2 મેચ જીતી છે. 6 ટીમોના સમાન 4-4 પોઈન્ટ છે, પરંતુ સારા રનરેટના કારણે રાજસ્થાનની ટીમ નંબર-1 પર યથાવત છે.
કોલકાતા નાઈટ રાઈડર્સે રોમાંચક મેચમાં ગુજરાત ટાઈટન્સને છેલ્લા બોલે હરાવ્યું હતું. ટીમની આ સતત બીજી જીત છે. ટીમના 3 મેચમાં 4 પોઈન્ટ છે અને તેણે પોઈન્ટ ટેબલમાં નંબર-2 પર મોટી છલાંગ લગાવી છે. લખનૌ સુપર જાયન્ટ્સ, ગુજરાત ટાઇટન્સ, ચેન્નાઇ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ પાસે પણ 3-3 મેચમાં 4-4 પોઇન્ટ છે. પરંતુ રનરેટના કારણે લખનૌ ત્રીજા, ગુજરાત ચોથા, CSK પાંચમા અને શિખર ધવનની કેપ્ટનશીપવાળી પંજાબની ટીમ છઠ્ઠા નંબર પર છે.
2 ટીમોને હજુ જીત મેળવવાની બાકી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે અત્યાર સુધી 2 મેચમાંથી એક મેચ જીતી છે જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદે 3 મેચમાંથી એક મેચ જીતી છે. બંને ટીમના 2-2 પોઈન્ટ છે. RCB ટેબલમાં 7મા અને હૈદરાબાદની ટીમ 8મા નંબર પર છે. મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સને અત્યાર સુધી એકેય જીત મળી નથી. મુંબઈ 2 અને દિલ્હી 3 મેચમાં હાર્યું છે. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ મુંબઈ ટેબલમાં 9મા સ્થાને છે અને દિલ્હીની ટીમ સૌથી ઓછા 10મા નંબર પર છે.
ધવનના 200 રન પૂરા
પંજાબનો કેપ્ટન શિખર ધવન IPL 2023માં 200 રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેની પાસે ઓરેન્જ કેપ છે. તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 99 રનની અજોડ ઇનિંગ રમી હતી. તેણે અત્યાર સુધી 3 ઇનિંગ્સમાં 225ની એવરેજથી 225 રન બનાવ્યા છે. તેણે 2 અડધી સદી પણ ફટકારી છે. સ્ટ્રાઈક રેટ 149 છે. ચેન્નાઈ સુપર કિંગ્સનો ઋતુરાજ ગાયકવાડ 3 મેચમાં 189 રન સાથે બીજા અને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નર 3 મેચમાં 158 રન સાથે ત્રીજા સ્થાને છે.
પર્પલ કેપ વિશે વાત કરીએ તો, લખનૌ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર માર્ક વૂડ, રાજસ્થાન રોયલ્સનો લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને ગુજરાત ટાઇટન્સના લેગ-સ્પિનર રાશિદ ખાને 8-8 વિકેટ લીધી હતી. રાશિદ પાસે પર્પલ કેપ છે.