રશિયાએ કેદી વિનિમયમાં 20 મહિલાઓ સહિત 100 યૂક્રેનિયન કેદીઓને મુક્ત કર્યા છે. યૂક્રેનના અધિકારીઓએ આ માહિતી આપી છે. યૂક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના વડા એન્ડ્રી એર્માકે જણાવ્યું હતું કે મુક્ત કરાયેલા લોકોમાં યૂક્રેનની સેના, રાષ્ટ્રીય રક્ષક અને નૌકાદળના સભ્યો અને સરહદ રક્ષકોનો સમાવેશ થાય છે. મુક્ત કરાયેલા કેટલાક લોકો કાં તો ઘાયલ છે અથવા ગંભીર રીતે બીમાર છે. તેમણે સ્વેપ ડીલ હેઠળ યૂક્રેન દ્વારા મુક્ત કરાયેલા રશિયન સૈનિકોની સંખ્યાની વિગતો આપી ન હતી.
રશિયાથી 31 બાળકોને પાછું લઈ આવ્યું યૂક્રેન
કોઓર્ડિનેશન હેડક્વાર્ટરએ અહેવાલ આપ્યો છે કે યૂક્રેન જિનીવા કન્વેનશન અનુસાર ગંભીર રીતે ઘાયલ થયેલા પાંચ સૈનિકોને રશિયાને સોંપ્યા છે. માર્ચ 2022 થી, રશિયા સાથે કેદીઓની વિનિમયના પરિણામે 2,000 થી વધુ યૂક્રેનિયનોને મુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ, યૂક્રેનની એક બચાવ સંસ્થાના વડા, માયકોલા કુલેબાએ કહ્યું હતું કે તેઓ યુદ્ધ દરમિયાન રશિયા લઈ જવામાં આવેલા 31 બાળકોને પાછા લાવ્યા હતા. કુલેબાએ શનિવારે કિવમાં એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. તે ‘સેવ યૂક્રેન’ સંસ્થાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.
રશિયાએ 24 ફેબ્રુઆરી 2022 ના રોજ યૂક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી યૂક્રેનિયન બાળકોને સ્વદેશ લાવવા એક મુખ્ય મુદ્દો રહ્યો છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે રશિયા પર દબાણ વધાર્યું છે. તેણે 17 માર્ચે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચિલ્ડ્રન્સ રાઈટ્સ કમિશનર મારિયા લ્વોવા બેલોવા માટે ધરપકડ વોરંટ જારી કર્યું હતું, જેમાં યૂક્રેનમાંથી બાળકોનું અપહરણ કરવાનો આરોપ લગાવ્યો છે.
યૂક્રેનમાં 7 મિલિયન લોકો વિસ્થાપિત થયા
રશિયા-યૂક્રેન યુદ્ધને કારણે લગભગ સાત મિલિયન યૂક્રેનિયનો આંતરિક રીતે વિસ્થાપિત થયા છે. યૂક્રેનના નાયબ વડા પ્રધાન ઇરિના વેરેશચુકને ટાંકીને અખબારી અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 4.8 મિલિયન વિસ્થાપિત લોકો આંતરિક રીતે વિસ્થાપિત વ્યક્તિઓ (IDPs) તરીકે સત્તાવાર રીતે નોંધાયેલા છે. વેરેશચુકે જણાવ્યું કે યુદ્ધને કારણે 10 લાખ બાળકોને તેમના ઘર છોડવાની ફરજ પડી હતી. યુએનના તાજેતરના અંદાજ મુજબ, યુદ્ધની શરૂઆતથી 8.1 મિલિયનથી વધુ લોકો યૂક્રેનથી યુરોપિયન દેશોમાં સ્થળાંતરિત થયા છે.