છોટાઉદેપુર જીલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજીત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધતાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ રાસાયણિક ખેતી અને જૈવિક ખેતી કરતાં પ્રાકૃતિક કૃષિ કેવી રીતે અલગ તરી આવે છે એ અંગે તર્કબદ્ધ વાતો કરી ખેડૂતોને રાસાયણિક ખેતી અને જૈવિક ખેતી તથા પ્રાકૃતિક ખેતી વચ્ચેની ભેદરેખાની વિગતે સમજ આપી હતી.
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવાનો દ્રઢ નિર્ધાર કર્યો છે. જમીનની ફળદ્રુપતા, જનઆરોગ્ય અને પર્યાવરણ બચાવવા હશે તો પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર ઉપાય છે. આપણે આપણી જવાબદારી સમજીને પ્રાકૃતિક ખેતી જ કરીએ અને ગુજરાતને પ્રાકૃતિક કૃષિનું રોલ મોડેલ બનાવવાનો નિર્ધાર કરીએ, એમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું.
પ્રાકૃતિક કૃષિ અંગેના પરિસંવાદમાં ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન આપતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પશુધન અને ખેતી એકબીજાના પૂરક છે. બંનેના યોગ્ય સંકલનથી ખેડૂતો પ્રાકૃતિક કૃષિમાંથી વધુ ઉપજ મેળવી વધુ આવક મેળવી શકશે. છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો પશુપાલન પણ કરે છે. ગુજરાત સરકાર પશુધનને બચાવવા કાર્યરત છે. પશુને લાભકારી બનાવી ખેડૂતો લાભ મેળવી શકે છે. પશુઓની નશલ સુધારી તેને વધુમાં વધુ લાભકારી બનાવી શકાય છે. રાજ્યપાલશ્રીએ પશુપાલન અંગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.
રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટી છે, એટલું જ નહીં તેનાથી ઉત્પન્ન થતા ધાન્યો પણ ઝેરયુક્ત બન્યા છે, જેની નાગરિકોના સ્વાસ્થ્ય ઉપર વ્યાપક અસરો થતાં કેન્સર, હ્રદયરોગ જેવી અસાધ્ય બિમારીઓનું પ્રમાણ સમાજમાં વધ્યું છે. મનુષ્યની સાથે પશુઓમાં પણ કેન્સર જેવા રોગ જોવા મળે છે. કમોસમી વરસાદ, ગ્લોબલ વોર્મિંગનું કારણ પણ રાસાયણિક ખાતર છે. જળવાયુ પરિવર્તનના પડકારો સામે ભારત વર્ષની જમીન, નાગરિકોનું આરોગ્ય, પાણી, પર્યાવરણ અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ જ બચાવી શકશે. પ્રાકૃતિક કૃષિ એ ધાર્મિક ભાવ નહી, પરંતુ શુદ્ધ વિજ્ઞાન છે તેમ તેમણે ઉમેર્યું હતું.
રાજ્યપાલએ માનવતા અને જીવ કલ્યાણ માટે આરંભાયેલા પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં સૌ ખેડૂતોને આધુનિક ટેકનોલોજીના વિનિયોગ સાથે જોડાઇ ધરતી માતા અને કૃષિપેદાશોને ઝેરમુક્ત બનાવવા હાકલ કરી હતી. ગુજરાત આજે તમામ ક્ષેત્રે આગળ વધી દેશને દિશા દર્શાવી રહ્યું છે, તેમ જણાવતાં રાજ્યપાલએ કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતને સમગ્ર દેશમાં રોલ મોડલ બનાવવામાં આવશે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે શિરમોર બની દેશના ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટેનું પ્રેરક બનશે એવો વિશ્વાસ રાજ્યપાલશ્રીએ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન છોટાઉદેપુર જીલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા બે ખેડૂતોએ તેમના અનુભવોનો નિચોડ ઉપસ્થિત ખેડૂતો સમક્ષ રજૂ કર્યો હતો. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ પોતાની ખેતપેદાશો પ્રદર્શિત કરતા માહિતીપ્રદ પ્રદર્શન પણ યોજયું હતું. રાજયપાલશ્રીએ આ પ્રદર્શન સ્ટોલોની મુલાકાત લઇ ખેતપેદાશોને નિહાળી ખેડૂતો સાથે સીધો સંવાદ સાધ્યો હતો.