સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યું છે. આ મેચમાં શાહરૂખ ખાનની ટીમને 23 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સને જીતવા માટે 229 રનનો ટાર્ગેટ હતો, પરંતુ નીતિશ રાણાની કેપ્ટન્સીવાળી ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 205 રન જ બનાવી શકી હતી.કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન નીતિશ રાણા અને ગત મેચના હીરો રિંકુ સિંહે શાનદાર ઈનિંગ્સ રમી હતી, પરંતુ ટીમને જીત અપાવી શક્યા ન હતા.
હૈદરાબાદની જીત બાદ પોઈન્ટ ટેબલમાં કેટલો ફેરફાર થયો
આ સાથે જ સનરાઇઝર્સ હૈદરાબાદની આ બીજી જીત છે. અત્યાર સુધી આ ટીમ 4 મેચ રમી છે, જેમાં તેણે 2 જીતી છે, જ્યારે 2 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. આ રીતે સનરાઈઝર્સ હૈદરાબાદને 4 પોઈન્ટ મળ્યા છે. આ જીત બાદ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ પોઈન્ટ ટેબલમાં સાતમા નંબર પર પહોંચી ગઈ છે. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર છે. જો કે આ જીત છતાં ટોપ-4 ટીમોમાં કોઈ ફેરફાર થયો નથી. ટોપ-4માં રાજસ્થાન રોયલ્સ ઉપરાંત લખનૌ સુપર જાયન્ટ્સ, ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમો છે.
RCB અને મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં નીચે ગઈ છે
આઈપીએલ 2023ના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો રાજસ્થાન રોયલ્સની ટીમ નંબર વન પર છે. 16મી સિઝનમાં રાજસ્થાન રોયલ્સે ચાર મેચ રમી છે જેમાં 3માં જીત અને એકમાં હાર થઈ છે. સંજુ સેમસનની ટીમ 6 પોઈન્ટ અને સારા નેટ રન રેટ સાથે નંબર વન પર છે. લખનૌ સુપર જાયન્ટ્સના પણ 4 મેચમાં 6 પોઈન્ટ છે અને તે બીજા નંબર પર છે. ગુજરાત ટાઇટન્સ 6 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે. આ સિવાય કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ 4 પોઈન્ટ સાથે ચોથા, ચેન્નાઈ સુપર કિંગ્સ 4 પોઈન્ટ સાથે પાંચમા, પંજાબ કિંગ્સ 4 પોઈન્ટ સાથે છઠ્ઠા નંબર પર છે. હૈદરાબાદની જીત બાદ, RCB આઠમા અને મુંબઈ ઈન્ડિયન્સ નવમા સ્થાને સરકી ગઈ છે. જ્યારે દિલ્હી કેપિટલ્સ પોઈન્ટ ટેબલમાં છેલ્લે છે.