ભારતીય કંપનીઓનો રેવેન્યૂ ગ્રોથ નાણાકીય વર્ષ 2023ના ચોથા ક્વાર્ટર દરમિયાન ઘટીને 10-12 ટકાની આસપાસ રહેવાનો અંદાજ ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રિસિલે વ્યક્ત કર્યો છે. ગત વર્ષે ભારતીય કંપનીઓનો રેવેન્યૂ ગ્રોથ 22.8 ટકા રહ્યો હતો. નાણાકીય વર્ષ 2023 દરમિયાન ભારતીય કંપનીઓની આવક 19-21 ટકાના દરે વધી હોવાનો અંદાજ છે, જે નાણાકીય વર્ષ 2022 દરમિયાન નોંધાયેલી 27 ટકાની આવક કરતાં નીચલા સ્તરે છે. ઓપરેટિંગ માર્જીન પણ 3 ટકા જેવું સુધર્યું હોવાની ધારણા છે.
નિકાસને લઇને કેટલાક પડકારોને કારણે વોલ્યૂમ ગ્રોથ પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી અને હાઇ બેઝને કારણે નાણાકીય વર્ષ 2023ના ચોથા ક્વાર્ટર દરમિયાન કંપનીઓની વૃદ્ધિને અસર થાય તેવી સંભાવના છે. ક્રિસિલે 47 સેક્ટરની કુલ 300 કંપનીઓનું વિશ્લેષણ કરીને આ તારણ બહાર પાડ્યું છે. રિપોર્ટ અનુસાર કોમોડિટી અને નિકાસને સંલગ્ન સેક્ટર્સ જેમ કે ટેક્સટાઇલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની આવકમાં ઘટાડો થયો છે. મે 2022માં એક્સપોર્ટ ડ્યૂટી લાગૂ થતા તેમજ વૈશ્વિક સ્તરે ઉચ્ચ ઇનપુટ ખર્ચને કારણે નબળી માંગને કારણે આવકમાં 11 ટકાનો હિસ્સો ધરાવતી સ્ટીલ પ્રોડક્ટ્સની આવકમાં પણ 7-9 ટકાના ઘટાડાનો અંદાજ છે. તદુપરાંત, વૈશ્વિક સ્તરે મંદ માંગને કારણે એલ્યુમિનિયમ ઇન્ડસ્ટ્રીની આવકને પણ 17-19 ટકા જેવો ફટકો પડ્યો હોવાનો અંદાજ છે. એરલાઇન્સ, હોટલ્સ, મીડિયા અને એન્ટરટેઇનમેન્ટને કારણે આવક વૃદ્ધિને સપોર્ટ મળ્યો હતો, જ્યારે ફાર્માસ્યુટિકલ્સ અને એફએમસીજી પ્રોડક્ટ્સની માંગને કારણે ગ્રોથનું મોમેન્ટમ જળવાયેલું રહ્યું હતું તેવું રિસર્ચના ડાયરેક્ટર અકિંત દાણીએ જણાવ્યું હતું.
નાણાકીય વર્ષ 2023 દરમિયાન દેશની હોટલ ઇન્ડસ્ટ્રી મજબૂત ગ્રોથ નોંધાવશે. જેને કારણે હોટલ ઇન્ડસ્ટ્રીની આવકમાં 98 ટકા વૃદ્ધિનો અંદાજ છે. જ્યારે એરલાઇન્સ અને ટેલિકોમ કંપનીઓની આવક પણ અનુક્રમે 67 ટકા અને 13 ટકા વધવાની ધારણા છે. બીજી તરફ ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન પણ ડિસેમ્બર 2022 ક્વાર્ટરના 19 ટકાથી સુધરીને માર્ચ 2023ના ક્વાર્ટર દરમિયાન 19-20 ટકા સુધી વધ્યું હોવાનો અંદાજ છે.