રાજકોટ-જામનગર હાઇવે પર પડધરી પાસે ટ્રેક્ટર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર લોકોના કરૂણ મોત નીપજ્યા છે. બુધવારે વહેલી સવારે થયેલા આ ગોઝારા અકસ્માત બાદ સ્થાનિક અને વાહનચાલકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આ મામલે સ્થાનિક પોલીસે હાલ આ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, રાજકોટ-જામનગર હાઇવે પર એક કાર પડધરી તરફ જઇ રહી હતી. દરમિયાન સામેથી આવતા ટ્રેક્ટર સાથે કાર ધડાકાભેર ટકરાઈ હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે, આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે, જે પૈકી 3 રાજકોટના છે જ્યારે એક મૃતક અન્ય શહેરનો છે. આ અક્સમાત સર્જાતા સ્થાનિક લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આ ચાર મૃતકોના પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયો છે.
સીસીટીવી ફૂટેજ ચેક કરવા તપાસ
આ ગોઝારો અકસ્માત કેવી રીતે થયો તે અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે. જે વિસ્તારમાં ઘટના બની ત્યાં કોઈ સીસીટીવી છે કે કેમ તેની પણ પોલીસ તપાસ કરી રહી છે. હાલ આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.