કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનાં મંત્રાલયે સ્માર્ટ સિટી સુરતની ત્રિદિવસીય
મીડિયા ટૂર યોજી
સુરતમાં કેન્દ્ર સરકારની મદદથી ચાલતી વિવિધ કલ્યાણકારી અને પરિવર્તનકારી યોજનાઓનું સ્થળ નિરીક્ષણ કરી જાતમાહિતી મેળવી
ટેક્નૉલોજીનાં માધ્યમથી કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ઈઝ ઑફ લિવિંગ વધારી રહ્યું છે: શ્રી રાજીવ જૈન
કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનાં મંત્રાલયે સ્માર્ટ સિટી સુરતની તા. 16 એપ્રિલથી 18 એપ્રિલ એમ ત્રિદિવસીય નેશનલ મીડિયા ટૂર યોજી હતી. મંત્રાલયના એડીજી (મીડિયા એન્ડ કમ્યુનિકેશન) શ્રી રાજીવ જૈનની આગેવાની હેઠળ પ્રવાસી ટીમે પ્રથમ દિવસે સુરતની સુંદરતામાં વધારો કરતા વીઆઇપી રોડ થઈ કેનલ રોડની મુલાકાત લીધી હતી જેને મૉડલ સ્ટ્રીટ એન્ડ સ્કલ્પ્ચર્સ હેઠળ તૈયાર કરાયા છે.
બીજા દિવસે સ્માર્ટ સિટી સુરતના અદ્યતન આઇસીસીસી (ઇન્ટિગ્રેટેડ કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર)ની મુલાકાત લીધી હતી અને કેવી રીતે, ખાસ કરીને પૂર જેવી આપત્તિ દરમ્યાન એક જ સ્થળેથી ઇમરજન્સી રિસ્પોન્સ અને વ્યવસ્થાપન કરવામાં આવે છે, શહેરીજનોને રિયલ ટાઇમ રીતે માહિતગાર કરવામાં આવે છે એ નિહાળ્યું હતું. સુરત મનપાના અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરવામાં આવેલા આઇસીસીસીની વિગતવાર માહિતી અને પ્રેઝન્ટેશન આપ્યું હતું. રખડતા ઢોરનાં દૂષણને ડામવા સુરત આરએફઆઇડી ટેગ લગાવનારું પ્રથમ શહેર હોવાની માહિતી આપી હતી. ત્યારબાદ ટીમે ડ્રીમ સિટી, પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં સ્થળ સુમન ભાર્ગવ, ભરથાણાની મુલાકાત લઈ લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. સુરતમાં પુરાતન ઇતિહાસને જાળવીને પુન:વિકાસ કરાયેલા કિલ્લાની પણ મુલાકાત લીધી હતી. સુરતના આઇકોનિક એવા કૅબલ સ્ટેઈડ બ્રિજની પણ મુલાકાત લીધી હતી.
મંત્રાલયની મીડિયા ટૂરના અંતિમ દિવસે સભ્યો સાયકલ દ્વારા ડુમસ ગયા હતા. પબ્લિક શૅરિંગ સાયકલ એ પણ મંત્રાલયની જ એક પહેલ છે જે વિવિધ શહેરોમાં લોકોની આદતો બદલે છે. અલથાણમાં તેમણે ખાડી પુનર્વિકાસ અને એશિયાના સૌથી મોટા નિર્માણાધીન બાયોડાઇવર્સિટી પાર્કની મુલાકાત લીધી હતી. સાથે જ અલથાણ વોટર વર્ક્સ, ટેક્સ્ટાઇલ માર્કેટ અને સોલર પાવર પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી.
અંતિમ દિવસે સ્થાનિક અને મુલાકાતી મીડિયા સાથે એક પત્રકાર પરિષદને સંબોધતા શ્રી રાજીવ જૈને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સ્માર્ટ સિટી મિશન અને સ્વચ્છ ભારત અભિયાન સહિત આવાસ અને શહેરી બાબતોનાં મંત્રાલયની વિવિધ પહેલથી દેશનાં શહેરી પરિદ્રશ્યની કેવી ઝડપથી કાયાપલટ થઈ રહી છે એની વિગતો આપી હતી.
સુરતનાં મ્યુનિસિપલ કમિશનર સુશ્રી શાલિની અગ્રવાલે કહ્યું કે 2000માં સ્લમ વસ્તી 26 ટકા હતી એ હવે ઘટીને 6 ટકા થઈ છે. એક તરફ સુરતની વસ્તી અત્યંત ઝડપથી વધી રહી છે તો બીજી તરફ સ્લમ વસ્તી ઝડપથી ઘટી રહી છે એનો મતલબ એ થયો કે પ્રધાનમંત્રી આવાસ અને અન્ય શહેરી આવાસ યોજનાઓ મારફત પરવડે એવાં ઘરો ખૂબ મોટી સંખ્યામાં પૂરાં પડાયાં છે. તેમણે શહેર આયોજનમાં પ્રધાનમંત્રીનો નવીનતમ વિચાર સ્માર્ટ સિટી મિશન ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું હોવાનું કહ્યું હતું. સ્માર્ટ સિટી હેઠળ સુરતને ઘણી પરિયોજનાઓ ભારત અને ગુજરાત સરકાર તરફથી મળી છે.
સુરતનાં મેયર શ્રીમતી હેમાલી બોઘાવાલાએ કહ્યું કે હવે અમારું લક્ષ્ય સુરતને સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર વન બનાવવાનું છે. તેમણે સુરતમાં જનભાગીદારીથી વિકસાવાયેલા બગીચા, મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ, આરોગ્ય, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની પહેલ વિશે માહિતી આપી હતી. તેમણે પીએમ સ્વનિધિ યોજનાથી સુરતના 10000 સ્ટ્રીટ વૅન્ડર્સ લાભાન્વિત થયાની માહિતી આપી હતી.
શ્રી જૈને કહ્યું કે દેશમાં કોવિડ મહામારીમાં સ્માર્ટ સિટી મિશનના આઇસીસીસીએ પ્રશંસનીય કામગીરી કરી છે. આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય તેની વિવિધ પરિયોજનાઓ મારફત શહેરોની કાયાપલટ કરી રહ્યું છે અને ટેક્નૉલોજીનાં માધ્યમથી અમે ઈઝ ઑફ લિવિંગમાં સુધારો કરી રહ્યા છે.