આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે ત્યારે આ વર્ષની ઉજવણીની થીમ માટી સાથે જ સંકળાયેલી છે. મેરી માટી, મેરા દેશ અભિયાન અંતર્ગત સમગ્ર દેશ માતૃભૂમિને વંદન કરશે, સાથે સાથે માતૃભૂમિ માટે પ્રાણ ન્યોછાવર કરનારા વીરોની વંદના પણ કરવામાં આવશે.
અમદાવાદ જિલ્લામાં પણ 9મી ઓગસ્ટથી મેરી માટી, મેરા દેશ અભિયાનનો પ્રારંભ થશે. ત્યારે અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે ના માર્ગદર્શનમાં ડીડીઓ મેહુલ દવે અને સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે.
જે અંતર્ગત આઇ.ઇ.સી. એક્ટીવીટીના ભાગરૂપે તમામ ગ્રામ પંચાયતોને ગ્રામસભા બોલાવવા માટે તાલુકા પંચાયત મારફતે લેખિતમાં સૂચના અપાયેલ છે. તથા ગ્રામસભાનું
શિડ્યુલ પણ તૈયાર કરી દેવાયું છે. તા. 9 થી 15 ઓગસ્ટ સુધીના કાર્યક્રમોમાં દૂરના ગામોનું આયોજન પહેલા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તાલુકા કક્ષાએ કરવાના થતા કાર્યક્રમોના
સ્થળ અને તારીખ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે.
વધુમાં માટીયાત્રાનું પણ આયોજન કરાયું છે. સમગ્ર જિલ્લાના ગામથી તાલુકા સુધી માટીયાત્રા યોજાશે. ગામડે ગામડેથી એક-એક મુઠ્ઠી માટી લઈ તાલુકા કક્ષાએ એકત્ર કરાશે
અને તાલુકા કક્ષાએથી દિલ્હી કર્તવ્યપથ સુધી અમૃત કળશ યાત્રા પણ યોજાશે. જે અંતર્ગત જે- તે તાલુકાનું પ્રતિનિધિત્વ કરતા યુવાનો એકત્ર કરાયેલી માટીના કળશ અમૃત વાટીકાની
સ્થાપના માટે દિલ્હી સુધી પહોંચાડશે. કળશ લઇને દિલ્હી જનાર યુવાનની પસંદગી કરવા માટે મામલતદાર/ તાલુકા વિકાસ અધિકારી દ્વારા નહેરૂ યુવા કેન્દ્રના સંપર્કમાં રહીને પસંદગી કરવાની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે.