સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વિશ્વની સૌથી ઉંચી અને અખંડ ભારતના શિલ્પી સરદાર પ્રતિમા છે. પ્રવાસનના વધુ એક નવીન આકર્ષણના રૂપમાં આજે ત્રીજીવાર એકતાનગર સ્થિત સરદાર પ્રતિમાના પ્રાંગણમાં “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૩” ગુજરાત પ્રવાસન અને નર્મદા જિલ્લા પ્રસાશનના સંકલનથી યોજાયો હતો. જેને ભરૂચ મતવિસ્તારના સાંસદ મનસુખભાઇ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખના હસ્તે ખુલ્લો મુકાયો હતો. આ પતંગ મહોત્સવમાં જી-૨૦ દેશોમાં સમાવિષ્ટ ૧૮ દેશોના ૪૧ થી વધુ અને ૦૫ રાજ્યોના ૧૧ કરતા વધુ પતંગબાજોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
જી-૨૦ની થીમ સાથે ગુજરાત ટુરિઝમ અને નર્મદા જિલ્લા વહિવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગરના વ્યુ પોઇન્ટ-૧ ખાતે “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૩” ને ખૂલ્લો મુકતાં પતંગરસિયાઓનો ઉત્સાહ જોઈને સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, આજે વિદેશો સાથેના સંબંધોની વાત હોય, મિત્રતાની વાત હોય કે દેશના વિકાસની વાત હોય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની સંસ્કૃતિને દરેક ઉત્સવ સાથે જોડીને દેશના વિકાસને નવી ગતિ પુરી પાડી છે. જે આજે વિકાસ રૂપી ઊંચા આકાશને આંબી રહી છે. વડાપ્રધાનએ નર્મદા જિલ્લાને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી અમૂલ્ય ભેટ આપી પ્રવાસન ક્ષેત્રે વિશ્વફલક પર દેશને ખ્યાતિ અપાવી છે. વધુમાં મનસુખભાઇ વસાવાએ “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૩” ને અનુલક્ષીને દેશવિદેશથી આવેલા પતંરસિયાઓને શુભેચ્છા પાઠવી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. દેશ વિદેશના મહાનુભાવો સતત સરદારસાહેબની પ્રતિમા નિહાળવા આવી રહ્યાં છે તેનો આનંદ વ્યક્ત કરતા સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, આજે એકતા નગર ખાતે ૧૮ દેશોના ૪૧ જેટલા કસાયેલા પતંગવીરો આવ્યા છે. તેઓ પતંગ કલાના દેશ વિદેશમાં યોજાતા મહોત્સવોમાં ભાગ લે છે. આ મહેમાનોને સરદાર પ્રતિમા અને એકતાનગરમાં અન્ય આકર્ષણો બતાવવાનું આયોજન છે. આ પ્રવાસી પતંગવીરો વિશ્વમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની દર્શનીયતાના સંદેશવાહક બનશે અને એના પગલે અહીં નવા મુલાકાતી ઉમેરાશે, એવો વિશ્વાસ શ્રી વસાવાએ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ અને ધારીખેડા સુગર ફેકટરીના ચેરમેન અને દૂધધારા ડેરી ભરૂચના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે પણ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
દેશ વિદેશના મળી ૫૩ થી વધુ પતંગબાજો મોજથી પતંગ ઉડાડવાની સાથે નેધરલેન્ડથી આવેલા પતંગબાજ ઈન્ગેબોર્ગ આર્ટસે જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીએ અતુલ્ય નિર્માણ છે અને ખૂબ સુંદર છે. અહીં આવીને અમે અત્યંત આનંદની લાગણી અનુભવીએ છીએ.
દેશ વિદેશના પતંગબાજોનું જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી સૂર્ય વંદના અને સ્થાનિક આદિવાસી સંસ્કૃતિની ઝલક આપતા મેવાસી નૃત્ય અને હોળી નૃત્ય પણ લોકકલા ગૃપ દ્વારા પ્રસ્તુત કર્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા, લ, જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેકટર સી.એ. ગાંધી, પ્રાયોજના વહિવટદાર પંકજ ઔંધિયા, નાંદોદના પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી, પ્રવાસન નિગમના સિનિયર ઓફિસર ખ્યાતિબેન નાયક, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ દિનેશભાઇ તડવી, તાલુકા પંચાયતના પ્રમુખ , અન્ય પદાધિકારીઓ, પ્રવાસન નિગમ અને વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ, દર્શકો ઉપસ્થિત રહ્યા હતા