ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં હંમેશા ખટાશ રહી છે. પછી તે પહેલાના યુદ્ધને કારણે હોય કે પછી ડોકલામ-ગાલવાનની ઘટનાને કારણે. આ દરમિયાન ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે જોડાયેલી એક ઘટનાની ખૂબ ચર્ચા થઈ રહી છે, જેણે ચીનને કડક સંદેશ આપ્યો છે. વાસ્તવમાં, જ્યારે રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુરુવારે સાંજે દિલ્હીમાં તેમના ચીની સમકક્ષ લી શાંગફુને મળ્યા, ત્યારે રાજનાથે તેમની સાથે હાથ મિલાવ્યા ન હતા, જ્યારે રાજનાથે ત્યાં હાજર અન્ય સમકક્ષો સાથે ઉષ્માપૂર્વક હાથ મિલાવ્યા હતા. આ પ્રસંગ દ્વિપક્ષીય બેઠકનો હતો, જ્યાં રાજનાથે ફક્ત તેમના ચીની સમકક્ષને હાથ જોડીને અભિવાદન કર્યું હતું. તેમ છતાં, ચીનના રક્ષામંત્રીનું નિવેદન સામે આવ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો સ્થિર અને સામાન્ય છે.
રાજનાથે કોની સાથે હાથ મિલાવ્યા?
ગુરુવારે યોજાયેલી દ્વિપક્ષીય બેઠકમાં રાજનાથે કઝાકિસ્તાન, ઈરાન, તાજિકિસ્તાનના તેમના સમકક્ષો સાથે ઉષ્માભર્યા હાથ મિલાવ્યા હતા અને ફોટોગ્રાફ્સ પણ શેર કર્યા હતા.
જણાવી દઈએ કે રાજનાથ અને તેમના ચીની સમકક્ષ વચ્ચે ગુરુવારે લગભગ 45 મિનિટ સુધી મુલાકાત થઈ હતી. આ દરમિયાન ભારતે કહ્યું હતું કે ચીને હાલના સરહદી કરારોનું ઉલ્લંઘન કર્યું છે. જેના કારણે બંને દેશોના સંબંધો પર અસર પડી છે. તેથી, વાસ્તવિક નિયંત્રણ રેખા પર જે પણ મતભેદો છે, તે દ્વિપક્ષીય વાટાઘાટો દ્વારા જ ઉકેલવા જોઈએ.