ઇમરાને ખાને આર્થિક ફાયદા વિશે વાત કરતા કહ્યું કે હવે જો બંને દેશો વચ્ચે સારા વેપાર સંબંધો હશે તો ઘણો ફાયદો થશે, પરંતુ આના રસ્તામાં જમ્મુ અને કાશ્મીર મુદ્દે ભારતનું વલણ એક મોટો અવરોધ છે
ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુદ્દે કેવા સંબંધો છે એ આખું જગ જાણે છે. અને એ પણ જાણે છે કે પાકિસ્તાન આ મુદ્દાનો ક્યારેય ઉકેલ લાવવા માગતું જ નથી. ત્યારે હવે ફરી એકવાર પાડોશી દેશના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને કાશ્મીર મુદ્દે ક્ષેર ઓક્યું છે. સોમવારે ઇમરાન ખાને કહ્યું કે તેઓ ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે, પરંતુ આ ત્યાં સુધી શક્ય નહીં થાય, જ્યાં સુધી ભારતમાં ભાજપની સરકાર છે. અમે બંને દેશો વચ્ચે સારા સંબંધો ઈચ્છીએ છીએ. અમે નથી ઈચ્છતા કે ફરી એકવાર શીતયુદ્ધ જેવી સ્થિતિ ઉભી થાય. ઇમરાને કહ્યું કે અમે અફઘાનિસ્તાન, ઇરાન અને ચીન સહિત પાકિસ્તાનના તમામ પડોશીઓ સાથે સારા સંબંધો ઈચ્છીએ છીએ.
ઇમરાને ખાને એક અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં આર્થિક ફાયદા વિશે વાત કરતા કહ્યું કે હવે જો બંને દેશો વચ્ચે સારા વેપાર સંબંધો હશે તો ઘણો ફાયદો થશે, પરંતુ આના રસ્તામાં જમ્મુ અને કાશ્મીર મુદ્દે ભારતનું વલણ એક મોટો અવરોધ છે.
તેમણે અખબારને કહ્યું, ‘આ નિરાશાજનક છે કારણ કે તમારી પાસે (ઉકેલ માટે) કોઈ તક નથી કારણ કે તેઓ આ રાષ્ટ્રવાદી લાગણીઓને ઉશ્કેરે છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રવાદનો આ જિન એક વખત બોટલમાંથી બહાર નીકળી ગયો તો તેને ફરીથી પાછું લાવવું ખૂબ મુશ્કેલ છે.’
તેમણે કહ્યું, “આપણે બધા જાણીએ છીએ કે તેમની પાસે કાશ્મીર સમસ્યાના ઉકેલ માટે રોડમેપ હોવો જોઈએ. ભારતે વારંવાર પાકિસ્તાનને કહ્યું છે કે તે આતંકવાદ, દુશ્મનાવટ અને હિંસા મુક્ત વાતાવરણમાં ઇસ્લામાબાદ સાથે સામાન્ય પડોશી સંબંધોનીન ઇચ્છા રાખે છે.’
ઇમરાન ખાને કહ્યું કે જ્યારે 2019માં જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કરવામાં આવ્યો ત્યારે પાકિસ્તાને ભારત સાથેના પોતાના સંબંધો ઠંડા કરવા પડ્યા. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો કાશ્મીર મુદ્દા અને પાકિસ્તાન તરફથી થતા સીમાપાર આતંકવાદને લઈને તણાવપૂર્ણ રહ્યા છે.
જણાવી દઈએ કે 5 ઓગસ્ટ 2019 ના રોજ ભારતે બંધારણની કલમ 370 નાબૂદ કરી, જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કર્યો અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યા ત્યારથી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો સારા રહ્યા નથી.
ભારતના આ નિર્ણય બાદ, પાકિસ્તાને નવી દિલ્હી સાથેના રાજદ્વારી સંબંધોને ઓછા કરી દીધા અને ભારતીય રાજદૂતને હાંકી કાઢ્યા હતા, ત્યારથી પાકિસ્તાન અને ભારત વચ્ચેના વેપાર સંબંધો પણ ઘણી હદ સુધી ઓછા ગયા છે.