દેશમાં ધર્મના નામે અનેક પ્રકારની છેતરપિંડી થઇ રહી છે ધર્મની આડમાં કેટલાક લેભાગુ તત્ત્વો નિતનવા નુસ્ખા અપનાવી ધર્મપ્રેમી જનતા પાસેથી રૂપિયા ખંખેરતા હોવાના અનેક બનાવો બની રહ્યા છે મેઘરજ નગરમાં જુમ્મા મસ્જિદમાં મૌલાના તરીકે રહેતા ભરૂચના ડુંગરીપારના શખ્સે મસ્જિદમાં નમાજ પઢવા આવતા લોકો પાસે બીમારી, એક્સિડન્ટ, લગ્ન સહીત અલગ અલગ બહાના બનાવી 17 વ્યક્તિઓ પાસેથી 2.09 લાખ રૂપિયા ઉસેળી લઇ રફુચક્કર થઇ જતા લઘુમતી સમાજના લોકો ચોકી ઉઠ્યા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
મેઘરજ નગરની જુમ્મા મસ્જીદમાં મૌલાના તરીકે ફરજ બજાવતા ભરૂચના ડુંગરીપાર વિસ્તારના સોએબઅલી અનવરઅલી સૈયદ મસ્જિદમાં નમાજ પઢવા આવતા લોકો સાથે વિશ્વાસ કેળવી પરિવારના સભ્યને કેન્સર હોવાનું, એક્સીડંટ થયું હોવાનું અને પરિવારમાં શાદી હોવાનું જણાવી 17 લોકો પાસેથી 5 થી 10 હજાર રૂપિયા રોકડ અને ગુગલ પે કે અન્ય ડિજિટલ પેમેન્ટ મારફતે રૂપિયા લઇ થોડા દિવસમાં પરત આપવાનું કહીં રમઝાન ઈદના આગલા દિવસ રફુચક્કર થઇ જતા સમગ્ર ઠગાઇનો પર્દાફાશ થયો હતો 17 જેટલા લોકોએ મૌલાનાએ તેમની પાસેથી રૂપિયા લીધા હોવાનું બહાર આવતા લઘુમતી સમાજના લોકો અચંબિત બન્યા હતા આખરે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ભોગ બનેલા લોકોએ પોલીસ શરણ લીધું હતું
મેઘરજ પોલીસે મોહંમદ સૈફ હબીબભાઈ પટેલની ફરિયાદના આધારે સોઅબઅલી અનવરઅલી સૈયદ (રહે,ડુંગરીપાર પાલજ-ભરૂચ) વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે