ગુજરાતમાં ટેરર ફંડિંગ, દેશ વિરોધી પ્રવૃત્તિ વગેરે સહિતના ગંભીર મામલે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે હવે NIAને લઈ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, હવે અમદાવાદ શહેરના જગતપુર ખાતે NIAના પોલીસ સ્ટેશનની સ્થાપના કરવામાં આવશે. આ માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત સરહદી રાજ્ય હોવાથી ગૃહ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાયું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં વિવિધ મુદ્દે NIA દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. દેશ વિરોધી પ્રવૃત્તિ, ટેરર ફંડિંગ સહિતની વિવિધ બાબતોને લઈ NIA દ્વારા તપાસ કરાઈ રહી છે.
NIAના વાહનોને ટોલમુક્તિ અંગે પણ નિર્ણય!
ત્યારે હવે ગુજરાતના અમદાવાદમાં NIAના પોલીસ સ્ટેશનની સ્થાપના કરવામાં આવશે. ગૃહ વિભાગની મંજૂરી બાદ હવે શહેરના જગતપુરમાં NIAનું પોલીસ સ્ટેશન બનશે. આથી NIA હવે ગુજરાતમાં જ ફરિયાદ દાખલ કરશે. અમદાવાદમાં NIAના પોલીસ સ્ટેશનનું કાર્યક્ષેત્ર સમગ્ર ગુજરાત રાજ્યમાં રહેશે. બીજી તરફ માર્ગ અને મકાન વિભાગ દ્વારા પણ NIAના વાહનોને ટોલમુક્તિ આપવાનો નિર્ણય કરાયો હોવાની માહિતી છે. 8 જેટલા વાહનોને ટોલમુક્તી અપવા પરિપત્ર કરાયો છે. જણાવી દઈએ કે ભૂતકાળમાં અક્ષરધામ પર થયેલા આતંકી હુમલામાં પણ NIA દ્વારા તપાસ કરવામાં આવી હતી.