વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશભરના પ્રશાસનિક અધિકારીઓને આહ્વાન કર્યું કે તેઓ કોઈ પણ નિર્ણય લેતા પહેલા આ પ્રશ્નો પર વિચાર કરે કે સત્તામાં રહેલા રાજકીય પક્ષો દેશના વિકાસ માટે સરકારી ભંડોળનો ઉપયોગ કરી રહ્યા છે
પીએમ મોદીએ આપ્યા શ્રેષ્ઠતા પુરસ્કાર
આ પ્રસંગે મોદીએ જાહેર વહીવટના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ વડાપ્રધાનના શ્રેષ્ઠતા પુરસ્કાર પણ એનાયત કર્યા. આ પુરસ્કારો જિલ્લાઓ અને સંસ્થાઓને અપવાદરૂપ પ્રયાસો અને નાગરિકોના જીવનને સુધારવાના હેતુથી નવીન પહેલ માટે આપવામાં આવે છે. મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે લોકસેવકોના નાનામાં નાના નિર્ણયો પણ દેશના હિત પર આધારિત હોવા જોઈએ. લોકશાહીમાં રાજકીય પક્ષોના મહત્ત્વનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે દરેક પક્ષની પોતાની વિચારધારા હોય છે અને બંધારણે દરેક પક્ષને આ અધિકાર આપ્યો છે, પરંતુ સરકારી કર્મચારી તરીકે વહીવટી અધિકારીઓએ કેટલાક પ્રશ્નોનું ધ્યાન રાખવું જોઈએ.
સરકારી ભંડોળના ઉપયોગ પર નજર રાખો
વડાપ્રધાને કહ્યું કે, જે રાજકીય પક્ષ સત્તામાં આવ્યો છે તે કરદાતાઓના પૈસાનો ઉપયોગ પોતાના પક્ષના ફાયદા માટે કરી રહ્યો છે કે દેશના હિત માટે? તેનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે? તમારે લોકોએ આ જોવું પડશે.” તેમણે કહ્યું કે રાજકીય પક્ષ સરકારી નાણાનો ઉપયોગ તેના વિસ્તરણમાં કરી રહ્યો છે અથવા તે પૈસા દેશના વિકાસમાં વાપરી રહ્યો છે, તે પોતાની વોટ બેંક બનાવવા માટે સરકારી પૈસા લૂંટી રહ્યો છે. અથવા દરેકનું જીવન સરળ બનાવવાનું કામ કરી રહ્યા છે?
દરેક નિર્ણય લેતા પહેલા વિચારો
મોદીએ કહ્યું, “શું તે રાજકીય પક્ષ સરકારી પૈસાથી પ્રચાર કરે છે કે ઈમાનદારીથી લોકોને જાગૃત કરે છે? શું તે રાજકીય પક્ષ વિવિધ સંગઠનોમાં તેના કાર્યકરોની નિમણૂક કરે છે કે પછી તે દરેકને પારદર્શક રીતે નોકરીમાં આવવાની તક આપે છે? રાજકીય પક્ષ નીતિઓમાં ફેરફાર નથી કરી રહ્યો જેથી કરીને તેના આકાઓ માટે કાળા નાણાંના નવા રસ્તાઓ ઉભી કરી શકાય? સરદાર પટેલ લોકસેવકોને ‘સ્ટીલ ફ્રેમ ઓફ ઈન્ડિયા’ કહેતા હતા. તમારે તેમની અપેક્ષાઓ પ્રમાણે જીવવું પડશે. નહીં તો દેશની સંપત્તિ લૂંટાઈ જશે, કરદાતાઓના પૈસા વેડફાશે અને દેશના યુવાનોના સપના ચકનાચૂર થઈ જશે.”
સરકારી કર્મચારીઓની ભૂમિકા મહત્ત્વની
વડાપ્રધાને આ પ્રસંગે અમૃત કાળનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે વર્તમાન સમયમાં તેમની (લોક સેવકો) ભૂમિકા વધુ મહત્ત્વની બની ગઈ છે કારણ કે સમગ્ર વિશ્વ આશાઓ સાથે ભારત તરફ જોઈ રહ્યું છે. તેમણે કહ્યું, “આજે ભારત પાસેથી સમગ્ર વિશ્વની અપેક્ષાઓ ઘણી વધી ગઈ છે. વિશ્વભરના નિષ્ણાતો અને વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કહી રહ્યા છે કે ભારતનો સમય આવી ગયો છે.” તેમણે અધિકારીઓને કહ્યું કે આ તે સમય છે જ્યારે તેઓએ એક પણ ક્ષણ ગુમાવવી ન જોઈએ.