ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે મંગળવારે સવારે માર્ચ-એપ્રિલ 2023માં લેવાયેલી ધો. 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ સવારે 9 વાગે વેબસાઇટ પર ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પાટણ જિલ્લાનું 66.54 ટકા પરિણામ જાહેર થયું હતું. જિલ્લામાં એક પણ વિદ્યાર્થીઓ A1 ગ્રેડ માં નથી.
પાટણના અંતરિયાળ ગામ કાતરવા ગામના ખેડૂત પરિવારની દીકરી રબારી આશાબેન પરબતભાઇએ ધો.12 સાયન્સમાં કોઈ પ્રકારની ટ્યૂશન વગર હોસ્ટેલમાં રહી અભ્યાસ કરી A-2 ગ્રેડ મેળવ્યો હતો. ધોરણ 12માં 99.50 PR રેન્ક મેળવી પાટણનું ગૌરવ વધાર્યું હતું.
સેરા ગામની મિત્તલબેન કરશનભાઇ દેસાઈએ ધોરણ -12 સાયન્સની પરીક્ષાના દસ દિવસ પહેલા જ તેના પિતા કરસનભાઇનું કરંટ આવતા અવસાન થયું હતું, તેમ છતાં બોર્ડની પરીક્ષા આપી સફળતા પૂર્વક 93.24 PR રેન્ક મેળવ્યો છે.
પાટણના 4 કેન્દ્રમાં પરીક્ષા લેવાઈ હતી. જેમાં પાટણ કેન્દ્રનું 70.67 ટકા, સિદ્ધપુરનું 61.54 ટકા, ચાણસ્મા કેન્દ્રનું 43.95 ટકા અને રાધનપુર કેન્દ્રનું 67.09 ટકા પરિણામ આવ્યું છે. બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓએ વ્હોટ્સએપ નંબર મેસેજ કરીને પણ પરિણામ મેળવ્યું હતું. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓએ બોર્ડની વેબસાઈટ પર પરિણામ ચકાસ્યું હતું.
સ્કૂલો દ્વારા પોતાના વિદ્યાર્થીઓના ઈન્ડેક્સ નંબર નાખી માર્કશીટ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢવામાં આવી હતી. તો કેટલાક વિદ્યાર્થીઓએ મોબાઈલમાં પણ પોતાનું પરિણામ જોયું હતું. કેટલીક સ્કૂલોમાં સર્વર પ્રોબ્લેમના કારણે વેબસાઈટ ખુલતી ન હતી.
પાટણ જિલ્લામાં 12 સાયન્સનું પરિમાણ જાહેર થતાં જિલ્લાના 1910 વિદ્યાર્થીઓ પૈકી 19 વિદ્યાર્થીઓએ A2, 86 વિદ્યાર્થીઓએ B1 અને 204 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. 344 વિદ્યાર્થીઓએ C1 અને 446 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 170 વિદ્યાર્થીઓએ D ગ્રેડ અને 2 વિદ્યાર્થીઓએ E1 ગ્રેડ મેળવ્યો હતો.
ગત વર્ષે 73.11 ટકા પરિણામ આવ્યું હતું. જ્યારે આ વખતે 66.54 ટકા પરિણામ આવ્યું છે. જેથી 6.57 ટકા પરિણામ આ વખતે ઘટ્યું છે. ગત વર્ષે A1 ગ્રેડમાં ત્રણ વિદ્યાર્થીઓ હતા. આ વખતે એક પણ વિદ્યાર્થી નથી.
ધો.12 સાયન્સનું કુલ 65.58% પરિણામ જાહેર થયું છે. એ ગ્રુપમાં 72.27% અને બી ગ્રુપમાં 61.71% પરિણામ આવ્યું છે. સૌથી વધુ 90.41% સાથે હળવદ કેન્દ્ર પ્રથમ નંબરે છે અને લીમખેડા કેન્દ્રનું સૌથી ઓછું 22% રિઝલ્ટ આવ્યું છે. સૌથી વધુ 83.22% પરિણામ સાથે મોરબી જિલ્લો પ્રથમ છે. ગુજરાતી માધ્યમનું 65.32% અને અંગ્રેજી માધ્યમનું 67.18% પરિણામ આવ્યું છે.
માર્ચ-2023 વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષામાં કુલ 140 કેન્દ્રો ઉપર 1,26,624 પરીક્ષાર્થી નોંધાયેલ હતાં. તે પૈકી 1,25,563 પરીક્ષાર્થી ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં નિયમિત વિદ્યાર્થીઓ 1,10,229 નોંધાયા હતા, તે પૈકી 1,10,042 પરીક્ષાર્થી પરીક્ષામાં ઉપસ્થિત રહ્યાં હતા. જેમાંથી 72,166 પરીક્ષાર્થી “પ્રમાણપત્ર મેળવવાને પાત્ર” થયેલ છે. રાજ્યનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 65.58 ટકા આવ્યું છે.
સમગ્ર રાજ્યમાં 1.25 લાખ વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષા આપી હતી. 14 માર્ચથી 29 માર્ચ સુધી બોર્ડની પરીક્ષા ચાલી હતી, જેનું પરિણામ 1 મહિના બાદ એટલે કે આજે 2 મેના રોજ જાહેર થયુ છે. આજે માત્ર ઓનલાઇન પરિણામ જાહેર થયું છે. 3 દિવસ બાદ સ્કૂલમાંથી માર્કશીટ આપવામાં આવશે.