દમણના સિફેસ જેટી, દેવકા બીચ, મરવડ બીચ અને જમ્પોર બીચ પર ફરવા આવેલા સહેલાણીઓ બપોરના સમયે ગરમીથી નિજાત મેળવવા દરિયામાં ન્હાતા નજરે ચડ્યા હતા, સહેલાણીઓ માટે ખાણીપીણીની સુવિધા પણ દરિયા કાંઠે જ ઉપલબ્ધ હોય તેઓએ રજાની પુરી મજા માણી હતી, આમ તો દમણમાં આવતા સહેલાણીઓ બે ભાગમાં વહેંચાયેલા છે જેમાં અમીર વર્ગના સહેલાણીઓ કોઈ મોટો રિસોર્ટ બુક કરીને તે હોટલ કે રિસોર્ટના સ્વિમિંગ પુલમાં ન્હાવાની મજા માણતા હોય છે, પરંતુ દમણના ગુજરાત સહિતના આસપાસના વિસ્તારોમાંથી આવતા મધ્યમ વર્ગના સહેલાણીઓ માટે દેવકાથી લઈને જમ્પોર બીચ સુધીનો દરિયાનો કાંઠો હરવા ફરવા અને તરવા માટે ખુલ્લું મેદાન હોય તેઓ સ્વિમિંગ પુલને બદલે સીધા દરિયામાં જ કૂદી પડતા હોય છે, જો કે ક્યારેક નશામાં ધૂત થઈને અથવા તરતા ન આવડતું હોવા છતાં દરિયામાં તરવા પડેલા ઘણા સહેલાણીઓએ ઊંડા પાણીમાં ડૂબી જતા જીવ ખોવાનો પણ વારો આવ્યો છે, જેથી વહીવટી તંત્ર દ્વારા દરિયા કિનારે સાવધાની સૂચક બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે, તેમજ નાની અને મોટી દમણના દરિયા કાંઠે પોલીસ કર્મીઓ પણ ચક્કર મારતા રહે છે, તેમ છતાં આજે પણ ઘણા બેદરકાર લોકો દારૂના નશામાં દરિયા કાંઠે ન્હાતા નજરે ચડ્યા હતા, તો કેટલાક લોકો જીવનું જોખમ લઈને દરિયા કાંઠેથી ખુબ દૂર પણ નીકળી ગયા હતા, ત્યારે વેકેશનની મજા ક્યાંક સજા ન બની જાય તેનું ધ્યાન રાખીને આ સહેલાણીઓ સ્વેચ્છાએ નિયમોનું પાલન કરે અને બેરહમ દરિયામાં વધારે જોખમ ન ખેડે એ પણ ખુબ જરૂરી છે,
