બાપુનગરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. પત્નીના પ્રેમસંબંધથી કંટાળીને પતિએ શરીર પર કેરોસીન છાંટી દિવાસળીથી આગ ચાંપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આ મામલે બાપુનગર પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, બાપુનગરમાં રહેતા એક યુવકની પત્ની પાંચ વર્ષ પહેલા જ્યાં નોકરી કરતી હતી ત્યાં અન્ય એક વ્યક્તિ સાથે તેને પ્રેમસંબંધ બંધાયો હતો. આ બાબતેને લઈ પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા. દરમિયાન એક વાર પત્નીએ હવે તેને પ્રેમ સંબંધ નહી હોવાની સાંત્વના આપતા બંન્ને વચ્ચે સમાધાન થયું હતું. પરંતુ, થોડા સમય પછી ફરી પત્નીના પ્રેમસંબંધ અંગેની જાણ પતિને થતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે કેટલાક અન્ય લોકોએ પતિ સાથે મારામારી કરી જાનથી મારવાની ધમકી આપી હતી.
પત્નીએ પતિને જાનથી મારવાની ધમકી આપી
જ્યારે પત્નીએ પણ પતિને કહ્યું હતું કે, તું મારું કે અમારા બાળકોનું ભરણપોષણ કરી શકતો નથી, આ લોકો જ મારો તેમ જ મારા બાળકોનો ખર્ચો પૂરો પાડે છે. તું મરી જઇશ તો અમો સુખી થઇશું’. પત્ની ધમકી આપી કે, જો તું મારા પ્રેમસંબંધમાં અવરોધ ઊભો કરશે તો આ લોકો દ્વારા તને જાનથી મરાવી નાંખીશ’. અંતે કંટાળીને પતિએ શરીર પર કેરોસીન છાંટી દિવાસળીથી આગ ચાંપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે