લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવવાની રમત નવી નથી, પરંતુ પહેલા પણ દેશમાં આવા અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. તાજેતરનો મામલો ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાંથી સામે આવ્યો છે, જ્યાં ગામના નિર્દોષ ગરીબ લોકોને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે મોટી લાલચ આપવામાં આવી રહી છે. આ મામલો સાંદીપન ઘાટ વિસ્તારનો છે, જ્યાં ગરીબોને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે લાલચ આપવાનો પ્રયાસ કરી રહેલા 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ જાણકારી આપી છે. આ લોકો ગરીબ લોકોને બીમારી ઠીક કરવા અને અન્ય લાલચ આપીને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે કહી રહ્યા હતા.
શું છે ધર્મ પરિવર્તનનો આ સમગ્ર મામલો
એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ સમર બહાદુર સિંહે મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે, ‘પોલીસને માહિતી મળી હતી કે સાંદીપન ઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારના સાંતા ગામમાં બીમારીને ઠીક કરવાની અને બીજી ઘણી લાલચ આપીને ગરીબ ગ્રામજનોનું ધર્મ પરિવર્તન કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે બાદ પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો. આ કેસમાં મહારાજ સરોજ, ઉમાકાંત મૌર્ય, મહેન્દ્ર કુમાર અને વેદ પ્રકાશની ધરપકડ કરવામાં આવી છે.’
અધિકારીએ કહ્યું, ‘ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેઓ ગામના નિર્દોષ લોકોને બીમારીની સારવાર કરવા અને તેમના જીવનધોરણને સુધારવાની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવવા માટે સભાઓનું આયોજન કરતા હતા. પકડાઈ ગયેલા લોકો સામે ગેરકાયદે ધર્માંતરણ સંબંધિત અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.’