પ્રયાગરાજમાં ભાજપ મહિલા નેતાના પુત્ર પર બોમ્બ વડે જીવલેણ હુમલાનો મામલો સામે આવ્યો છે. હુમલાખોરોએ મહિલા નેતાના પુત્રની કાર પર બે બોમ્બ ફેંક્યા હતા. બોમ્બ બ્લાસ્ટને કારણે કારને નુકસાન થયું છે. જોકે, સફારી કારમાં બેઠેલા મહિલા નેતાના પુત્ર અને તેના મિત્રને કોઈ ઈજા થઈ ન હતી. બોમ્બ ધડાકાની ઘટનાનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. આ ઘટના પ્રયાગરાજના ઝુસી વિસ્તારની આવાસ વિકાસ કોલોનીની છે. ભાજપના નેતાએ ઝુસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
કોન્સ્ટેબલના દીકરા પર આરોપ
મહિલા નેતા વિજયલક્ષ્મી ચંદેલ ભાજપના જિલ્લા મંત્રી છે. તેઓ થાનાપુર ગ્રામસભામાં ગ્રામ પ્રધાન પણ છે. તેમનો પુત્ર વિધાન સિંહ (20) ગુરુવારે રાત્રે 8:00 કલાકે તેની માસીના ઘરે ગયો હતો. ત્યાં જ બે બાઇક પર સવાર છ યુવાનોએ સફારી કાર પર બોમ્બ ફેંક્યા હતા. આરોપીઓમાં પોલીસ વિભાગમાં તૈનાત એક કોન્સ્ટેબલનો દીકરો પણ સામેલ છે.
મારી નાખવાના ઇરાદા સાથે બોમ્બ ફેંક્યા
આરોપ છે કે મહિલા નેતાના પુત્ર વિધાનનો થોડા દિવસો પહેલા કૌશામ્બીમાં તૈનાત કોન્સ્ટેબલ શિવ બચન યાદવના પુત્ર શિવમ યાદવ સાથે વિવાદ થયો હતો. કોન્સ્ટેબલ અને તેના પુત્રએ ભાજપના નેતાના ઘરે જઈને માફી પણ માંગી હતી. તેમ છતાં હત્યાના ઈરાદે કારમાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.