ઓકટોબર-૨૦૨૩ સુધીમાં ગુજરાતની પ્રથમ AIIMS – રાજકોટનું બાંધકામ પૂર્ણ થશે. હાલ રાજકોટ એઇમ્સનું 60 ટકા જેટલું નિર્માણકાર્ય પૂર્ણ થયું છે. ઓકટોબર-૨૦૨૩ સુધીમાં ગુજરાતની પ્રથમ AIIMS તૈયાર થશે.
રાજકોટનું ૧૦૦ ટકા બાંધકામ પૂર્ણ થશે તેમ તેમણે જણાવીને આ ઇન્સ્ટીટ્યુટ કાર્યરત બનતા ગુજરાતની સાથે દેશની સ્વાસ્થ્ય-સેવાને નવું બળ મળશે તેમ ઉમેર્યુ હતુ. એઇમ્સ એ રાજયના સ્વાસ્થ્ય ક્ષેત્રે ‘માઈલ સ્ટોન’ બની રહેશે. આશરે ૧,૫૮,૮૭૯ ચો. મી. ના બાંધકામ વિસ્તારમાંથી ૯૧,૯૫૦ ચો. મી. વિસ્તારનું બાંધકામ પૂર્ણ થયેલ છે. અહીં ૭૭,૪૩૫ ચો. મી.ના હોસ્પિટલ વિસ્તારમાં ૧૫ થી ૨૦ સુપરસ્પેશિયાલિસ્ટ વિભાગ, ઇમરજન્સી, ટ્રોમા, આયુષ અને આઈસીયુ જેવી સુવિધાઓ, ૨૭,૯૧૧ ચો. મી. વિસ્તારમાં મેડિકલ અને નર્સિંગ કોલેજ, ૫૧,૧૯૮ ચો.મી. વિસ્તારમાં હોસ્ટેલ અને ક્વાટર્સ તથા ૨,૩૩૫ ચો.મી. વિસ્તારમાં અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.
વર્ષ ૨૦૧૭-૧૮ ના બજેટમાં AIIMS – રાજકોટની જાહેરાત કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે 1.58 લાખ ચો.મી. વિસ્તારમાં ૭૫૦ બેડ અને હાલ ૧૫૦ એમ.બી.બી.એસ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી આ AIIMS નું ડિસેમ્બર,2020માં ઈ – ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
અહીં ડિસેમ્બર ૨૦૨૧થી કાર્યરત ૧૪ સ્પેશિયાલિસ્ટ વિભાગોમાં અત્યાર સુધીમાં ૫૦ હજારથી વધુ નાગરિકોએ ઓ.પી.ડી સેવાનો તથા ૪૫ હજારથી વધુ નાગરિકોએ ટેલીમેડીસીન સેવાનો લાભ લીધો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૪ પહેલાં દેશમાં ફક્ત ૮ જ એઇમ્સ કાર્યરત હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ દેશનું સુકાન સંભાળ્યા બાદ દેશને નવી ૧૪ એઈમ્સની મંજૂરી મળી છે.