વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે દેશની રાજધાની દિલ્હીમાં નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાના છે. એક તરફ જ્યાં ઉદ્ઘાટન સમારોહને યાદગાર બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ વિપક્ષ તેનો બહિષ્કાર કરવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યો છે. આ ઘટનાક્રમની વચ્ચે આજે સુપ્રીમ કોર્ટમાં નવી ઇમારતના ઉદ્ઘાટન સંદર્ભે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં અરજી ફગાવી દેતા અરજદારને સખત ઠપકો આપવામાં આવ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિને ઉદ્ઘાટન સમારોહમાં આમંત્રણ ન આપીને બંધારણનું અપમાન કરવામાં આવી રહ્યું છે.
સુપ્રીમ કોર્ટે અરજી પર શું કહ્યું?
આ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમને ખબર છે કે આ અરજી શા માટે દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે આવી અરજીઓ પર ધ્યાન આપવું એ સુપ્રીમ કોર્ટનું કામ નથી. કોર્ટે અરજદાર એડવોકેટ જયા સુકીનને પણ ઠપકો આપ્યો અને કહ્યું કે શા માટે તેના પર દંડ લાદવામાં ન આવે. જયાએ અરજીમાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિને ઉદ્ઘાટન સમારોહમાંથી બાકાત રાખીને સરકારે ભારતીય બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા જ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
21 પક્ષોએ બહિષ્કાર કર્યો, 2 ડઝને આપ્યું સમર્થન
નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરનાર પક્ષોની સંખ્યા વધીને 21 થઈ ગઈ છે, જ્યારે તેને સમર્થન આપનારા પક્ષોની સંખ્યા બે ડઝનને વટાવી ગઈ છે. અહેવાલો અનુસાર, ઉદ્ઘાટન સમારોહ માટે 25 પક્ષોએ આમંત્રણ સ્વીકાર્યું છે. માયાવતીની આગેવાની હેઠળની બહુજન સમાજ પાર્ટીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવી ઇમારતના ઉદ્ઘાટનને સમર્થન આપ્યું છે પરંતુ સમારોહમાં હાજરી આપવા માટે તેના કાર્ડ ખોલ્યા નથી.
સવારે 7:30 વાગ્યાથી કાર્યક્રમો શરૂ થશે
28મીએ સવારે 7:30 વાગ્યાથી જ કાર્યક્રમો શરૂ થશે, જે બપોરે 2:30 વાગ્યા સુધી ચાલશે. સવારના પૂજનથી શરૂ થયેલા આ સમારોહનું સમાપન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ સાથે થશે. સમગ્ર કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે, વિધિવિધાનની બ્લુ પ્રિન્ટ તૈયાર થઈ ચુકી છે. વિપક્ષી દળોના વિરોધને ધ્યાનમાં લીધા વિના, સરકારે નિર્ણય લીધો છે કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન સમયપત્રક મુજબ 28 મેના રોજ કરવામાં આવશે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે.