વર્તમાનમાં લોકોમાં વિદેશ જઈ સેટલ થવાનું ચલણ વધ્યું છે. વિદેશમાં સેટલ થવા માટે લોકો કરોડો રૂપિયા ખર્ચ કરવા માટે પણ તૈયાર થતા હોય છે. ત્યારે ઘણી વખત લોકો વિદેશમાં સેટલ થવાની લોભામણી સ્કીમમાં છેતરપિંડીનો શિકાર બને છે. વડોદરામાં પણ વિદેશ જવાની છેલછામાં 150થી વધુ લોકો સાથે ઠગાઈ થઈ હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે કન્સલ્ટન્ટના સંચાલક સહિત ત્રણ શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરામાં આવેલા માંજલપુરમાં લક્ષ્ય મેનેજમેન્ટ કન્સલ્ટન્ટના સંચાલક સહિત ત્રણ લોકો સામે વિદેશમાં વર્ક પરમિટ વિઝા અપાવવાની લાલચે 150થી વધુ લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. આરોપ છે કે આરોપીઓએ વિદેશમાં વર્ક પરમિટ વિઝા અપાવવાની લાલચ આપીને લોકો પાસેથી એડવાન્સમાં રૂ.1 લાખ લઈ બાકીના પૈસા વિદેશ પહોંચ્યા પછી આપવાની શરતે જાળ બિછાવી લોકોને ફસાવ્યા હતા.
એડવાન્સમાં રૂ.1 લાખ લઈ વિદેશ ન મોકલી છેતરપિંડી આચરી
150થી વધુ લોકો પાસેથી એડવાન્સમાં 1 લાખ રૂપિયા લઈ વિદેશ ન મોકલી છેતરપિંડી આચરતા કન્સલ્ટન્ટના સંચાલક સહિત ત્રણ સામે ફરિયાદી શિક્ષક તુષારગિરિ ગોસાઈ સહિત 4 વ્યકિતઓએ માંજલપુર પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે કાર્યવાહી કરી આરોપી આશિષ ગવળી, કુલદીપ નિકમ અને વિકાસ પટેલની ધરપકડ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.