ખેતીવાડીની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવી
—
અમરેલી, તા.૨ જૂન, ૨૦૨૩ (શુક્રવાર) આઇ ખેડુત પોર્ટલ પર ખેત ઓજારો/સાધનો, ટ્રેક્ટર, પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) માલ વાહક વાહન, ફાર્મ મશીનરી બેંક અને હાઇ-ટેક, હાઇ પ્રોડક્ટીવ ઇકવીપમેન્ટ હબ જેવા ઘટકોમાં યોજનાકીય સહાયનો લાભ મેળવવા માટે ઓનલાઇન અરજીઓ કરી શકે છે. આ અરજીઓ માટે આગામી તા.૫ જૂન થી આઈ-ખેડુત પોર્ટલ પર આ અરજીઓ કરી શકાશે. મહત્વનું છે કે, ખેડુતોને ઘરઆંગણે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલ મારફતે વર્ષ ૨૦૨૩-૨૪ માટેની સહાય મેળવવાની અરજીઓ કરી શકાશે.
રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાની ખેત ઓજારો/સાધનો, ટ્રેક્ટર, પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) માલ વાહક વાહન, ફાર્મ મશીનરી બેંક અને હાઇ-ટેક, હાઇ પ્રોડક્ટીવ ઇકવિપમેન્ટ હબ જેવા ઘટકો માટે મહત્તમ યોજનાકીય સહાયનો લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકાર દ્વારા સને ૨૦૨૩-૨૪ માટે આઇ ખેડુત પોર્ટલ તા.૦૫-૦૬-૨૦૨૩ ના રોજ સવારે ૧૦.૩૦ કલાકેથી ઓનલાઇન અરજીઓ માટે ખૂલ્લું મૂકવામાં આવશે. વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે સુધારો કરી લક્ષ્યાંકની ૧૧૦% મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી કરવામાં આવ્યું છે. તે બાબતને ધ્યાને લઈને રાજયના ખેડુતોએ આ ઘટકોમાં સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરી, ખેડૂતોએ અરજીની નકલ પોતાની પાસે રાખવાની રહેશે. પૂર્વ મંજૂરી મળ્યેથી અરજીની નકલ સાથે જરુરી સાધનિક દસ્તાવેજ સબંધિત કચેરીએ મોકલવાના રહેશે. વધુ વિગતો અને માહિતી માટે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત, જિલ્લા પંચાયત રોડ, અમરેલી પિન નંબર ૩૬૫૬૦૧નો (૦૨૭૯૨) ૨૨૩૩૨૪ સંપર્ક કરવો, તેમ અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.