ગઈકાલે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સની ટીમો વિમેન્સ પ્રીમિયર લીગમાં સામસામે હતી. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને 55 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. આ સાથે જ આ જીત બાદ હરમનપ્રીત કૌરની કપ્તાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. વાસ્તવમાં આ ટૂર્નામેન્ટમાં મુંબઈ ઈન્ડિયન્સે સતત પાંચમી વખત 5 મેચ જીતી છે. આ રીતે વિમેન્સ પ્રીમિયર લીગ પોઈન્ટ ટેબલમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 10 પોઈન્ટ સાથે ટોપ પર છે. આ સિવાય હરમનપ્રીત કૌરની ટીમનો નેટ રન રેટ પણ શાનદાર છે.
મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની છે
જોકે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. આ સાથે જ ગુજરાત જાયન્ટ્સ માટે પ્લેઓફનો રસ્તો અત્યંત મુશ્કેલ બની ગયો છે. ગુજરાત જાયન્ટ્સની 5 મેચમાં આ ચોથી હાર છે. અત્યાર સુધી ગુજરાત જાયન્ટ્સને માત્ર એક જ જીત મળી છે. આ મેચની વાત કરીએ તો ગુજરાત જાયન્ટ્સ પાસે જીતવા માટે 163 રનનો ટાર્ગેટ હતો, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સના બોલરોની સામે સ્નેહ રાણાની કપ્તાનીમાં રહેલી ગુજરાત જાયન્ટ્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 107 રન જ બનાવી શકી હતી. આ રીતે મુંબઈ ઈન્ડિયન્સે 55 રને મેચ જીતી લીધી હતી. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી હેલી મેથ્યુસ અને નાઈટ સિવર બ્રન્ટે 3-3 વિકેટ લીધી હતી. જ્યારે અમીલા કેરને 2 સફળતા મળી હતી. આ સિવાય ઈસી વોંગે 1 વિકેટ પોતાના નામે કરી હતી.
ગુજરાત જાયન્ટ્સ સામે 163 રનનો ટાર્ગેટ હતો
આ પહેલા ગુજરાત જાયન્ટ્સના કેપ્ટન સ્નેહ રાણાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ મુંબઈ ઈન્ડિયન્સે કેપ્ટન હરમનપ્રીત કૌરની શાનદાર ઈનિંગની મદદથી 20 ઓવરમાં 8 વિકેટે 162 રન બનાવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌરે 30 બોલમાં 51 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 7 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.