Flight Fare: ભારતમાં લોકો પણ હવાઈ મુસાફરીને ખૂબ પસંદ કરવા લાગ્યા છે. ધીમે ધીમે ફ્લાઇટમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યા પણ વધી રહી છે. હવે એક ચોંકાવનારો આંકડો પણ સામે આવ્યો છે, જે જણાવે છે કે ભારતમાં હવાઈ મુસાફરોની સંખ્યા વધી રહી છે. ભારતમાં ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં મે મહિનામાં 132.67 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી. જે ગયા વર્ષના સમાન મહિના કરતાં 15 ટકા વધુ છે. DGCAએ ગુરુવારે જાહેર કરેલા આંકડામાં આ માહિતી આપી છે.
ઘરેલુ હવાઈ મુસાફરો વધ્યા
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ જણાવ્યું છે કે, એક વર્ષ પહેલા મે 2022માં દેશમાં ઘરેલુ હવાઈ મુસાફરોની સંખ્યા 114.67 લાખ હતી. બજેટ એરલાઇન ઇન્ડિગોનો બજાર ભાગેદારી મે 2022માં 57.5 ટકાથી વધીને ગયા મહિને 61.4 ટકા થઈ હતી. ઈન્ડિગો ફ્લાઈટ્સમાં મે 2023માં 81.10 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી.
ગો ફર્સ્ટની સેવાઓ મે મહિનાથી બંધ
ગયા મહિને, એરલાઇન ગો ફર્સ્ટ (GoFirst) માટે નાદારીની કાર્યવાહી પણ શરૂ થઈ હતી. ગો ફર્સ્ટ (GoFirst) ની ફ્લાઇટ સેવાઓ 3 મેથી બંધ છે. ટાટા જૂથની ત્રણ એરલાઈન્સ – એર ઈન્ડિયા, એરએશિયા ઈન્ડિયા અને વિસ્તારાનો બજાર હિસ્સો પણ વાર્ષિક ધોરણે અનુક્રમે 9.4 ટકા, 7.9 ટકા અને નવ ટકા થયો છે.
ટાટા ગ્રૂપની ત્રણ કંપનીઓની એરલાઈનમાં મુસાફરી કરતા મુસાફરો 26.3 ટકા
ડેટા મુજબ, મે મહિનામાં કુલ 12.44 લાખ લોકોએ એર ઈન્ડિયા દ્વારા મુસાફરી કરી હતી, જ્યારે વિસ્તારામાં 11.95 લાખ લોકોએ મુસાફરી કરી હતી. એર એશિયા દ્વારા 10.41 લાખ લોકોએ મુસાફરી કરી હતી. ટાટા જૂથની ત્રણ એરલાઈન્સમાંથી મે મહિનામાં કુલ 34.8 લાખ લોકોએ મુસાફરી કરી હતી, જે કુલ સ્થાનિક હવાઈ મુસાફરોના 26.3 ટકા છે.
ઉલ્લેખનીય છે કે, સામાન્ય વર્ગના લોકો પણ સમયની બચત કરવા માટે હવાઈ મુસાફરી કરી રહ્યા છે.