વડોદરાના હરણી વિસ્તારમાં સ્કૂલે જતી એક વિદ્યાર્થિનીને જાહેર માર્ગ પર રોકી તેનો હાથ પકડી ગાડીમાં બેસવાનું કહી છેડતી કરનારા નશેડી યુવકને વિદ્યાર્થિનીએ અભયમ ટીમની મદદથી પાઠ ભણાવ્યો હતો. યુવકના ઘરે જઈ માતા-પિતાની સામે યુવકની કરતૂતનો ભાંડો ફોડતા યુવક અને તેના માતા-પિતાએ વિદ્યાર્થિનીની માફી માગી હતી. આ મામલે અભયમની ટીમે પોલીસને પણ જાણ કરી હતી.
વડોદરાના હરણી વિસ્તારમાં રહેતી વિદ્યાર્થિની સ્કૂલે જઈ રહી હતી ત્યારે તેની નજીક રહેતો એક નશેડી યુવક તેનો પીછો કરી પાસે આવ્યો હતો અને જાહેર માર્ગ પર વિદ્યાર્થિનીનો હાથ પકડી તેણીને ગાડીમાં બેસવા કહ્યું હતું. આથી વિદ્યાર્થિની ખૂબ જ ગભરાઈ ગઈ હતી. પરંતુ, તેણે યુવકનો પ્રતિકાર કર્યો અને ત્યાંથી ચાલી ગઈ હતી. ત્યાર બાદ ઘરે આવીને સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને કરતા પરિવારે અભયમની ટીમનો સંપર્ક કર્યો હતો.
અભયમની ટીમ વિદ્યાર્થિની સાથે યુવકના ઘરે ગઈ હતી અને યુવકની કરતૂતનો ભાંડો ફોડ્યો હતો. અભયમની ટીમે યુવકને કાયદાનું ભાન કરાવ્યું હતું. આથી યુવક અને તેના માતા-પિતાએ વિદ્યાર્થિનીની માફી માગી હતી. અભયમની ટીમે આ મામલે પોલીસને પણ જાણ કરી છે.