અમદાવાદના કાલુપુર વિસ્તારમાં શનિવારે મોડી રાતે વિકરાળ આગ લાગ્યની ઘટના બની હતી. શાકભાજીના હોલસેલ માર્કેટમાં આવેલી એક દુકાનમાં આગ લાગ્યા બાદ જોતા-જોતા આગે વિકારાળ સ્વરૂપ ધારણ કરી તેની નજીક આવેલી કુલ 26 જેટલી દુકાનને પોતાની ચપેટમાં લીધી હતી. આગના બનાવના કારણે વિસ્તારમાં અફરાતરફીનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડને જાણ કરતા 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે આવી હતી અને પાણીનો મારો ચલાવી મહાજહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે દુકાનો બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી.
શાક માર્કેટના હોલસેલની દુકાનમાં અચાનક આગ લાગી
મળતી માહિતી મુજબ, શનિવારે મોડી રાતે કાલુપુર શાક માર્કેટના હોલસેલની દુકાનમાં અચાનક આગ લાગી હતી. આ આગ જોતા જોતા એટલી વિકરાળ બની કે તેણે નજીકની અન્ય એક પછી એક આમ કુલ 26 દુકાનોને પોતાની ચપેટમાં લીધી હતી. આ દુકાનો આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. આગના બનાવથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડના જાણ કરાતા કુલ 10 જેટલી ગાડીઓ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો શરૂ કરી આગ બુઝાવવા કામગીરી હાથ ધરી હતી.
કલાકોની જહેમત બાદ ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો
કલાકોની જહેમત બાદ ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, દુકાનો બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી. પરંતુ, દુકાનની અંદરનો સામાન બળીને ખાખ થતા મોટું નુકસાન થયું હતું. જો કે, આગ કયા કારણોસર લાગી તે હાલ જાણી શકાયું નથી. પરંતુ, સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી હતી અને તપાસ હાથ ધરી હતી.