લાઈટ હાઉસ ટુરીઝમ તરીકે ડેવલપ થવાથી દેશ અને દુનિયાના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર : સંસદ શ્રીમતિ ડો. ભારતીબેન શિયાળ ગોપનાથના લાઈટ હાઉસ ખાતે આવેલ મ્યુઝીયમમાં ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી થશે : ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ ભાવનગર જિલ્લાના ગોપનાથ, વેરાવળ અને દ્વારકા ખાતે આવેલ લાઈટ હાઉસ(દીવાદાંડી)ને મિનિસ્ટ્રી ઓફ પોર્ટ, શિપિંગ અને વોટર વેઇઝના કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનવાલ દ્વારા દ્વારકા ખાતેથી ટુરીઝમ ફેસેલિટીનું વર્ચુયલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનવાલ એ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન ને લીધે લાઈટ હાઉસ ને ટુરીઝમ માટે વિકસાવવાનું શક્ય બન્યું છે. ભારતમાં 75 લાઈટ હાઉસને ટુરિઝમ તરીકે વિકસાવવાથી અર્થવ્યવસ્થામાં પણ ઉપયોગી થશે. મંત્રીશ્રી એ વધુમાં જણાવ્યું હતું કે 21 સપ્ટેમ્બર થી 23 સપ્ટેમ્બર લાઈટ હાઉસ ફેસ્ટિવલ મનાવવામાં આવશે. સંસદ શ્રીમતિ ડો. ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે લાઈટ હાઉસ ટુરીઝમ સ્થળ તરીકે ડેવલપ થવાથી દેશ અને દુનિયાના લોકો તેનાથી આકર્ષિત થશે જે વડાપ્રધાન નરેન્દ્રભાઇની દૂરંદેશી ને લીધે શક્ય બન્યું છે. ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે ગોપનાથના લાઈટ હાઉસ ખાતે બનેલ મ્યુઝીયમમાં ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી થશે. આ પર્યટન સ્થળે લોકોને આનંદ તો થશે જ સાથે ઐતિહાસિક માહિતી પણ મળશે. ગોપનાથનું લાઈટ હાઉસ ભોગોલિક દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અહીં પર્યટકો માટે મ્યૂઝિયમ ખુલ્લું મુકવામાં આવ્યું છે જેમાં ભૂતકાળમાં દીવાદાંડી કંઈ રીતે કામ કરતી હતી એ સમયના સાધનો શુ હતા એ સમયના જહાજો વિશે માહિતગાર કરવામાં થશે. ગોપનાથ લાઈટ હાઉસ ખાતે મ્યુઝિયમ, સેલ્ફી પોઈન્ટ, મ્યુઝિકલ ફાઉનટેઇન, બાળકો માટે રમત ગમતના સાધનો જેવા આકર્ષણ ના કેન્દ્ર બનાવવામાં આવેલ છે. આ પ્રસંગે તળાજા એસ.ડી.એમ. શ્રી વિકાસ રાતડા, આર.સી. મકવાણા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.