સુરતમાં મેટ્રો ટ્રેનની કામગીરી અને વરસાદના કારણે રાજ્યના સૌથી મોટા એસટી વર્કશોપમાં કીચડના થર પથરાયા છે, જેના લીધે ડેપોમાં કામ કરતા કર્મચારીઓ અને મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી છે. ડેપોના કર્મચારીઓ કીચડમાં કામ કરવા મજબૂર થયા છે. જ્યારે એક બસ કીચડમાં ફસાઈ જતા તેણે ક્રેનની મદદથી બહાર કાઢવાની ફરજ પડી હતી.
સુરતમાં રાજ્યનું સૌથી મોટું એસટી વર્કશોપ આવેલું છે. અહીં, ગુજરાત એસટી વિભાગની 100 જેટલી બસનું ડેઇલી મેન્ટેનન્સનું કામ કરવામાં આવતું હોય છે. ત્યારે છેલ્લા બે-ચાર દિવસથી સુરતમાં ધોધમાર વરસાદ પડતા અને મેટ્રો ટ્રેનની કામગીરીને પગલે આ એસટી ડેપોમાં હવે કીચડના થર પથરાયા છે. કીચડના સામ્રાજ્ય હેઠળ ડેપોના કર્મચારીઓ અને મુસાફરોને અગવડતા પડી રહી છે. એક કર્મચારીએ જણાવ્યું કે, એક બસ કીચડમાં ફસાઈ જતા તેણે ક્રેનના મદદથી બહાર કાઢવી પડી હતી.
બસના વોશિંગ, મેન્ટેનન્સ, પંચર સહિતની કામગીરીમાં મુશ્કેલી
કર્મચારીઓએ વધુમાં જણાવ્યું કે, કીચડના કારણે બસને રેમ્પ પર ચઢાવવા અને ઉતારવામાં ભારે હાલાકી વેઠવી પડે છે. સાથે જ બસના વોશિંગ, મેન્ટેનન્સ, પંચર સહિતની કામગીરીમાં પણ કીચડના કારણે મુશ્કેલી થઈ રહી છે. રાજ્યના સૌથી મોટા એસટી વર્કશોપમાં કીચડના થર પથરાઈ જતા તંત્રની કામગીરી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. કીચડના કારણે બસોને ડેપોમાંથી બહાર કાઢવામાં વધુ સમય લાગતા મુસાફરોને પણ ભારે હાલાકી વેઠવી પડી રહી છે.