સોલા ભાગવત નજીક યુ-20 પાર્કનું 40 દેશના મેયર સહિત 56 જેટલા વિદેશી ડેલિગેટ્સે વૃક્ષારોપણ કરી ખાતમુહૂર્ત કર્યું. અમદાવાદમાં સોલા ભાગવત નજીક યુ-20 પાર્કમાં અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર સહિત દેશ-વિદેશના મેયર તથા ડેલિગેટ્સ દ્વારા વૃક્ષારોપણ કર્યું હતું. એક વર્ષમાં 15 હજાર સ્ક્વેર મીટરનો શહેરનો પ્રથમ મેમોરિયલ પાર્ક તૈયાર કરાશે.
આજ રોજ અમદાવાદમાં સોલા ભાગવત નજીક શહેરના પ્રથમ યુ-20 મેમોરિયલ પાર્કનું ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં યુ-20 સમિટ અંતર્ગત આવેલા 40 દેશના મેયર સહિત કુલ 56 જેટલા વિદેશી ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા, અને અમદાવાદના મેયર કિરીટ પરમાર સહિત તમામના હસ્તે વૃક્ષારોપણ કરી પાર્કનું ખાતમુહૂર્ત કરાયું હતું. તેમજ વિદેશી મહાનુભાવોના હસ્તે બિગોનિયા અને મિલિનગટોનીયા હોટેંસિસ ફ્લાવરનું પણ વૃક્ષારોપણ કરાયું હતું.
આ પાર્કનું નિર્માણ કાર્ય એક વર્ષની અંદર પૂર્ણ કરવામાં આવશે. આ પાર્કની ડિઝાઇન મ્યુનિસિપલ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે. અંદાજે 15 હજાર સ્ક્વેર મીટરના વિસ્તારમાં આ પાર્કનું નિર્માણ કરાશે. વૃક્ષારોપણ બાદ ભાવિ પેઢીની યાદગીરી માટે માટીની તખ્તી (ક્લે ટાઈન) પર અમદાવાદના મેયર સહિત વિદેશી ડેલિગેટ્સની હાથછાપ લેવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં 40 દેશના મેયર સહિત કુલ 56 વિદેશી ડેલિગેટ્સ, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, પોલીસ કર્મીઓ તથા અમદાવાદની વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં પ્રથમ મેમોરિયલ પાર્ક તૈયાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં યોજાઈ રહેલ G-20 સમિટ અંતર્ગત U-20 સમિટને ભાવિ પેઢી યાદ રાખે અને ગ્રીન ઊર્જાને પ્રોત્સાહન મળે તે હેતુથી આ મેમોરિયલ પાર્કનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.