દેશના વિવિધ રાજ્યોમાં અત્યાર સુધી 51 જેટલી ઘરફોડ ચોરી કરનાર રીઢા ગુનેગારની ધરપકડ કરવામાં નવસારી LCBને મોટી સફળતા મળી છે. આરોપી પાસેથી પોલીસે સોના-ચાંદીના દાગીના મળી કુલ 7,12,370નો મુદ્દા માલ કબજે કર્યો છે. સાથે જ પોલીસે ટાઉન પોલીસ સ્ટેશન અને જલાલપુર વિસ્તારના ચોરીના વણઉકેલ્યા ગુનાને પણ ડિટેક્ટ કર્યા છે.
મળતી માહિતી મુજબ, એલસીબીના પોલીસ જવાનોને બાતમી મળી હતી કે, 51 જેટલી આંતરરાજય ઘરફોડ ચોરી કરનાર રીઢો ગુનેગાર અને નંદુરબારનો જિમી ઉર્ફે દીપક બિપિન બાબુલાલ શર્મા ગાંધી રેલવે ફાટકના પશ્ચિમ અબ્રામા તરફ દક્ષિણ છેડેથી પસાર થવાનો છે. આથી પોલીસે વોચ ગોઠવી આરોપી જિમીની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું કે, આરોપી બપોરના સમયે બંધ મકાનોને નિશાન બનાવતો હતો અને માત્ર 25 મિનિટમાં જ ઘરમાં ઘૂસી તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ સહિતની ચોરી કરી ફરાર થઈ જતો હતો. છેલ્લા ઘણા સમયથી આરોપી પોલીસને હાથ તાળી આપીને ફરાર હતો.
જુગારની લતના કારણે ચોરીના રવાડે ચઢાવ્યો
પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે, તે જુગારના રવાડે ચઢ્યો હોવાથી ચોરી કરતો હતો. ચોરી કર્યા બાદ તે મુંબઈ અને દિલ્લી જઈ મોટા મોટા ક્લબોમાં જુગાર રમતો હતો અને પૈસા પૂરા થાય એટલે ફરી બંધ મકાનોને નિશાન બનાવી ચોરી કરતો હતો. આરોપી સામે સૌથી વધુ મુંબઈમાં 25, હરિયાણામાં 20, રાજસ્થાનમાં 4 અને ગુજરાતમાં 2 ચોરીના ગુના નોંધાયા છે. આરોપી પાસેથી પોલીસે દાગીના, મોબાઇલ, મોટરબાઇક, રોકડ મળી કુલ 7.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.