ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના કેન્દ્રીય સંગઠનના માળખામાં ફેરફાર પહેલા દિલ્હીમાં મહત્ત્વની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં ભાગ લેવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ 7 જુલાઈએ દિલ્હી જવાના છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બી.એલ. સંતોષની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં રાષ્ટ્રીય કાર્યકારિણીના પદાધિકારીઓએ પણ હાજર રહેવાનું રહેશે. ગુજરાત ભાજપની સાથે દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, હરિયાણાના પ્રદેશ ભાજપની બેઠક પણ દિલ્હીમાં થશે.
બેઠકમાં ગુજરાતની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા
સૂત્રો મુજબ, આ બેઠકમાં ગુજરાતની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરાશે. બેઠકમાં 2024 પહેલા ગુજરાત ભાજપમાં માળખાકીય ફેરફારો અંગે પણ ચર્ચા થઈ શકે છે. જે.પી. નડ્ડાની નવી ટીમમાં ગુજરાતમાંથી પણ નામોની ચર્ચા થાય તેવી શક્યતા છે. 2024માં લોકસભાની ચૂંટણી પહેલા દેશમાં ભાજપ શાસિત રાજ્યોમાં પાર્ટીના પ્રાદેશિક સંગઠનના માળખામાં ફેરફાર કરવાની કવાયત હાથ ધરાય તેવી માહિતી છે.
આવનારી ચૂંટણીઓને માટે ભાજપ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાશે
અહેવાલ અનુસાર, સાલ 2024ની લોકસભા ચૂંટણી અને 2023માં જે રાજ્યોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે તે માટે ભાજપ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ હેતુ માટે ભાજપના રાષ્ટ્રીય સંગઠન દ્વારા દેશના વિવિધ રાજ્યોને 3 અલગ-અલગ ક્લસ્ટરમાં વહેંચવામાં આવ્યા છે. આ સાથે 6 જુલાઈથી બેઠકોનો સિલસિલો પણ શરૂ કરવામાં આવશે. નજીકના ભવિષ્યમાં ઉત્તર, દક્ષિણ અને પૂર્વ એમ 3ની અલગ-અલગ ઝોન મુજબની બેઠકોનું આયોજન કરવામાં આવશે. બેઠક બાદ જે.પી. નડ્ડાની ટીમ, વિવિધ રાજ્યોના પ્રાદેશિક માળખા સહિતના નિર્ણય લેવામાં આવશે. આ બેઠકમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્યો હાજર રહેશે.