સરકારે આજે ટ્રેનમાં મુસાફરી કરનારાઓને ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. રેલવે બોર્ડે એક આદેશમાં જણાવ્યું છે કે, વંદે ભારત સહિત તમામ ટ્રેનોના એસી ચેરકાર અને એક્ઝિક્યુટિવ ક્લાસ અને અનુભૂતિ અને વિસ્ટાડોમ કોચના ભાડામાં 25 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવશે. રેલવે કહ્યું કે, ભાડામાં આ ઘટાડો ટ્રેનોમાં સીટ ભરવાના આધારે કરવામાં આવશે. આ ઉપરાંત, ભાડું પરિવહનના સ્પર્ધાત્મક સાધનો પર પણ નિર્ભર રહેશે.
ઓફર શું છે?
રેલવે બોર્ડે વિભાગના વિવિધ ઝોનને છેલ્લા 30 દિવસ દરમિયાન જે ટ્રેનોમાં 50 ટકાથી ઓછી સીટ ઓક્યુપન્સી હોય તેને કન્સેશન આપવાની પ્રક્રિયા શરૂ કરવા જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા દિવસોથી ભાડામાં ઘટાડો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. ભારતીય રેલવે ઓછા મુસાફરો સાથેની કેટલીક ટૂંકા અંતરની વંદે ભારત ટ્રેનોના ભાડાની સમીક્ષા કરી રહી હતી, જેથી કિંમતો ઓછી થઈ શકે અને લોકો માટે તેને વધુ વ્યવહારું બનાવી શકાય.
મૂળભૂત ભાડામાં ડિસ્કાઉન્ટ મળશે
રેલવે બોર્ડે કહ્યું કે, બેઝિક ભાડા પર મહત્તમ 25 ટકા સુધી ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય અન્ય ચાર્જીસ જેમ કે રિઝર્વેશન ફી, સુપર ફાસ્ટ સરચાર્જ, GST વગેરે હાલની જેમ વસૂલવામાં આવશે. રેલવે બોર્ડે વધુમાં કહ્યું કે, આ છૂટછાટ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે. જો કે, પહેલાથી બુક કરાયેલા મુસાફરો માટે ભાડાનું રિફંડ સ્વીકારવામાં આવશે નહીં. મુસાફરીના પ્રથમ અને/અથવા છેલ્લા તબક્કા અને/અથવા મધ્યવર્તી સેગમેન્ટ્સ અને/અથવા અંત-થી-અંતની મુસાફરી માટે છૂટ આપવામાં આવી શકે છે, જો કે તે ચરણ/વિભાગ/એન્ડ-ટુ-એન્ડની બેઠકો 50 ટકા કરતા ઓછી હોય.